પાવાગઢ વડા તળાવમાં ચોમાસામાં ઓછા વરસાદને લઈ તળાવ ન ભરાતા આસપાસ વિસ્તારના ખેડૂતોને ખેતી માટે સિંચાઈના પાણીની તાતી જરૂર હોય તેને પહોંચી વળવા રાજ્ય સરકાર દ્વારા નર્મદા જળસંપતિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા વડાતળાવ ને નમર્દા મુખ્ય નહેરથી ઉદવહન દ્વારા પાણી ભરવાની યોજનાનું કામ પૂર્ણ થતાં સોમવારે હાલોલના ધારાસભ્ય અને રાજ્ય મંત્રી જયદ્રથસિંહ પરમારના હસ્તે લોકાર્પણ કરતા નર્મદા મુખ્ય નહેરમાંથી વડાતળાવમાં પાણી ભરાવાનું શરૂ થતાં આસપાસના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો.
પાણી પુરવઠા યોજના હેઠળ નર્મદામાંથી વડાતળાવ સુધી પાણી લાવવાની યોજના પાછળ 17.59 કરોડનો ખર્ચ થયો છે. ડેમમાંથી 12.27 ક્યૂસેક પાણી ઉદવહન થશે. ઉદભવ સ્થાનથી વડાતળાવ સુધી 15.55 કિમી સુધી પાઇપલાઇન કરવામાં આવી છે. વચ્ચે હાલોલ તાલુકાના મદાર ગામ પાસે પમ્પીંગ સ્ટેશન ઉભું કરાયું છે. યોજનાથી હાલોલ ઘોઘંબા અને જાંબુઘોડા તાલુકાના ખેડૂતોને લાભ મળશે. વડા તળાવને નર્મદા મુખ્ય નહેરથી પાણી ભરવાના આયોજન પાછળ તળાવના મર્યાદિત સંગ્રહ શક્તિ તેમજ અનિયમિત વરસાદના સંજોગોમાં તળાવ ઓછું ભરાવાથી પૂરતી સિંચાઈ થઇ શકતી નથી.
