રિપોર્ટર: પ્રિતેશ દરજી પંચમહાલ
શહેરા તાલુકા ના ગ્રામીણ વિસ્તારમાં 95 જેટલી સસ્તા અનાજની દુકાનો આવેલી છે. મામલતદાર મેહુલ ભરવાડ દ્વારા અમુક સસ્તા અનાજની દુકાનોમાં રેશનકાર્ડ ધારકોને અનાજનો જથ્થો ઓછો આપતા હોવાની માહિતી તેઓને ખાનગી રાહે રેશનકાર્ડ ધારકો પાસેથી મળી હતી. જેને લઇને માતરીયા વ્યાસ, પાદરડી, ખરેડીયા સહિત અન્ય ગામોમાં મામલતદાર મેહુલ ભરવાડ દ્વારા ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી. મામલતદાર મેહુલ ભરવાડ દ્વારા ગામોમાં પહોંચી જઈને સસ્તા અનાજની દુકાનોના રેશનકાર્ડ ધારકોને બોલાવીને અનાજનો જથ્થો કેટલો આપવામાં આવે છે. તેમજ તેમને જે મળવાપાત્ર જથ્થો મળે છે .તેના રૂપિયા કેટલા લેવામાં આવે છે. સાથે પાક્કી પહોંચ આપવામાં આવે છે ,કે નહી તે પૂછવા સહિત જરૂરી તપાસ હાથધરી ને કાયદેસરની કાર્યવાહી આ મામલે કરવામાં આવી રહી છે.
હાલ તો મામલતદાર દ્વારા તાલુકાના અમુક ગામોમાં રેશન કાર્ડ ધારકોની ઓચિંતી મુલાકાત લેતા જે જવાબો રેશનકાર્ડ ધારકો પાસેથી મળતા બે ઘડી મામલતદાર પણ ચોકી ઉઠયા હતા. જ્યારે અમુક રેશનકાર્ડ ધારકોએ મામલતદાર સમક્ષ અમુક દુકાનદારો પૂરતો જથ્થો નહીં આપવા સહિત વધુ રૂપિયા પણ લેતા હોવાનું જણાવા સહિત તેમનું રેશનકાર્ડ પણ સસ્તા અનાજના દુકાનદાર રાખતા હોય છે. જે રીતે મામલતદાર દ્વારા નવા અભિગમ સાથે રેશનકાર્ડ ધારકોને મળવા પાત્ર જથ્થો મળે તે માટે ની કાર્યવાહી શરૂ કરવામાં આવતા ઘણા બધા રેશનકાર્ડ ધારકોએ મામલતદાર ની આ કામગીરીને બિરદાવી હતી. ઉલ્લેખનીય છે કે મામલતદાર દ્વારા પાછલા બે વર્ષ દરમિયાન અનેક સસ્તા અનાજની દુકાનોમાં ઓચિંતી તપાસ હાથધરી ને ગેરરીતિ કરતા ૧૧ જેટલી સસ્તા અનાજની દુકાનો ને સસ્પેન્ડ કરાઇ હતી. મામલતદાર મેહુલ ભરવાડને આ બાબતે પૂછતાં મારા દ્વારા અનેક ગામોની મુલાકાત લેવામાં આવી છે. અને તેમાં ઘણા બધા રેશનકાર્ડ ધારકોએ અનાજનો જથ્થો પુરતો નહિ મળવા સહિત અમુક દુકાનદાર રૂપિયા પણ વધુ લેતા હોય સાથે અમુક દુકાનદાર રાજકિય પીઠ ધરાવતા હોવાનું પણ રેશનકાર્ડ ધારકોએ જણાવ્યુ હતુ. તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાનો માંથી અમુક દુકાનોમાં અનાજનો જથ્થો રેશનકાર્ડ ધારકોને નહીં મળતા હોવાની બૂમો રેશનકાર્ડ ધારકો પાસેથી મામલતદારને જાણવા મળી હોય ત્યારે મામલતદાર દ્વારા આવનારા દિવસોમાં તાલુકાની અમુક સસ્તાં અનાજની દુકાનો સસ્પેન્ડ કરે તેવી શક્યતા હાલ જોવાઇ રહી છે.