અફઘાનિસ્તાનમાં જ્યારથી તાલિબાન ફરી પાવરમાં આવ્યું છે ત્યારથી અલ્પસંખ્યકો પોતાની સુરક્ષાને લઈ ખૂબ જ ચિંતિત છે. હિંદુ, શીખ સહિત સૌ કોઈ હાલ ભયભીત છે. અને તાલિબાન રાજથી દૂર ભાગવા પ્રયત્ન કરી રહ્યા છે. ભારતે પણ અફઘાનિસ્તાનમાં રહેતા હિંદુ અને શીખ સમુદાયના લોકોને શરણ આપવાની વાત કરી છે. જોકે આ બધા વચ્ચે તાલિબાનનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે.
થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે, તાલિબાનના ડરના કારણે 200 લોકોએ એક ગુરૂદ્વારામાં શરણ લીધેલું છે. તેમાં મોટા ભાગના હિંદુ અને શીખ સમુદાયના લોકો હતા. અનેક તો એવા હતા જે હવે સીધું અમેરિકા કે કેનેડા જવા માંગતા હતા. કારણ કે, તેમને તાલિબાન પર કોઈ ભરોસો નથી.તાલિબાને ભાર આપીને કહ્યું છે. કે, અફઘાનિસ્તાનમાં હિંદુ અને શીખ એકદમ સુરક્ષિત છે. કાબુલ ગુરૂદ્વારા કમિટીને મળ્યા બાદ તાલિબાને આ નિવેદન આપ્યું હતું. તાલિબાન દ્વારા એવું આશ્વાસન આપવામાં આવ્યું છે કે, અફઘાનિસ્તાનમાં હિંદુઓ અને શીખ લોકોને હેરાન નહીં કરવામાં આવે અને તેમને સંપૂર્ણ સુરક્ષા મળશે. તાલિબાનની કાબુલ ગુરૂદ્વારા કમિટી સાથેની બેઠકનો એક ફોટો પણ સામે આવ્યો છે જેમાં અનેક તાલિબાની નેતાઓ બેઠેલા જોવા મળે છે.