સરકારી સ્કૂલોના બાળકોને કેમ્બ્રિજ બોર્ડનો અભ્યાસક્રમ ભણાવવામાં આવશે,

Latest

ગુજરાતની સરકારી સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શાળાકીય શિક્ષણ આપવાના ઉદ્દેશથી શિક્ષણ વિભાગે મિશન સ્કૂલ ઓફ એકસેલન્સની શરૂઆત કરી છે. આ પ્રોજેકટમાં ખાનગી સંસ્થા કે વ્યકિત સરકારી સ્કૂલોના તેજસ્વી વિદ્યાર્થીઓને કારકિર્દીના ઘડતરમાં મદદરૂપે તમામ પ્રકારની સુવિધા વિનામૂલ્યે પૂરી પાડશે. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે આ પ્રોજેકટ હેઠળ એક લાખ વિદ્યાર્થી તૈયાર કરાશે. મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સના ભાગરૂપે આગામી સમયમાં શરૂ થનારી નિવાસી શાળામાં અભ્યાસ કરનાર બાળકોનો અભ્યાસક્રમ કેમ્બ્રિજ બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવશે. તેવુ શિક્ષણ વિભાગના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને કેમ્બ્રીજ બોર્ડના સંકલનમાં અભ્યાસક્રમ તૈયાર કરાશે

હાલમાં ગુજરાત શિક્ષણ વિભાગ અને કેમ્બ્રીજ બોર્ડના પ્રતિનિધિઓ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી બેઠકોનો દોર પણ ચાલી રહ્યો છે. ચર્ચા વિચારણના અંતે સરકાર દ્વારા લીલીઝંડી અપાયા બાદ આ કામગીરી શરૂ થવાની શક્યતાઓ છે. રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોના સંપૂર્ણ બદલાવ માટે રાજ્ય સરકાર દ્વારા ‘મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ’ પ્રોજેક્ટ અમલમાં મુક્યો છે. જેની સાથે સાથે હવે ધોરણ. 6થી 12ની નિવાસી સ્કૂલો ઉભી કરવાનો નિર્ણય લેવાયો છે, જેની સરકાર દ્વારા શિક્ષણ વિભાગને મંજૂરી પણ મળી ગઈ છે. નિવાસી સ્કૂલો શરૂ કરવા માટે રાજ્યની કેટલીક યુનિર્વિસટીઓ દ્વારા પણ તૈયારી બતાવવામાં આવી છે. આ નિવાસી શાળાઓમાં ગુજરાતની સરકારી શાળામાં અભ્યાસ કરતાં બાળકોને એન્ટ્રન્સ એક્ઝામ લઈ પ્રવેશ આપવામાં આવશે.આ નીતિ પ્રમાણે, ધોરણ–1થી ધોરણ–5ના સૌથી વધુ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને શોધીને તેમને આગળના ધોરણોમાં ગુણવત્તાયુકત શિક્ષણ વિનામૂલ્યે આપવાનું પ્રયોજન છે.

વર્ષે એક લાખ વિદ્યાર્થીઓને આ નીતિમાં આવરી લેવાથી પ્રત્યેક વિદ્યાર્થી પાછળ સરકાર 60 હજાર રૂપિયાનો ખર્ચ કરશે, જેથી સમગ્ર પ્રોજેકટનો કુલ ખર્ચ 600 કરોડ રૂપિયા થવા જાય છે. પ્રોજેકટ પાર્ટનર્સની પસંદગી માટે કુશળ અને અનુભવી વ્યક્તિઓની બનેલી સમિતિ દ્વારા ચકાસણી કરાશે. આ સમિતિ પસંદગી પામેલા અરજદારોની મંજૂરી માટે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સચિવની બનેલી ગવર્નિંગ કાઉન્સિલને ભલામણ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *