સોમનાથ પ્રદર્શન ગેલરી, જૂનું સોમનાથ મંદિર અને વોક વેનું લોકાર્પણ અને પાર્વતી મંદિરનું શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે. આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, સમુદ્ર દર્શન વોક વે, અહલ્યા બાઇ જૂનું સોમનાથ મંદિર, સોમનાથ પ્રદર્શન ગેલરીના કારણે જૂના સોમનાથના આકર્ષક સ્વરૂપના દર્શન કરી શકાશે, નવા અવસર અને નવા રોજગાર વધશે તથા સ્થાનની દિવ્યતા વધશે. ચારેય દિશામાં આવેલા 12 જ્યોતિર્લિંગ, ચારધામ, શક્તિપીઠો આ તમામ આસ્થાની જે રૂપરેખા છે તે એક ભારત શ્રેષ્ઠ ભારતની અભિવ્યક્તિ છે. આતંકવાદી વિચારધારા ભલે કેટલાક સમય માટે હાવી થઇ જાય પરંતુ તેનું અસ્તિત્વ સ્થાયી નથી હોતું. ગુજરાતમાં પ્રસાદ સ્કીમ હેઠળ 100 કરોડના ત્રણ પ્રોજેક્ટ હાલ ચાલી રહ્યાં છે.
સોમનાથ મંદિર ખાતે સંસ્કૃત યુનિવર્સિટીના વિદ્વાનો દ્વારા શ્લોકાચાર સાથે લોકાર્પણ અને શિલાન્યાસ કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જય સોમનાથ સાથે લોકાર્પણ કાર્યક્રમની શરૂઆત કરી હતી. અને પૂર્વ નાયબ વડાપ્રધાન અડવાણીને યાદ કર્યા હતા. મોદીએ જણાવ્યું હતું કે, હું ભલે વીડિયો કોન્ફરન્સથી જોડાયો હોવ પરંતુ મનથી સ્વયં ભગવાન સોમનાથના ચરણોમાં હોવાનો અનુભવ કરું છું. મારુ સૌભાગ્ય છેકે આ પૂણ્ય સ્થાનની સેવા કરવાનો અવસર મળ્યો છે. લોહપુરુષ સરદાર પટેલના ચરણોમા નમન કરતા હું કહું છું કે ભારતના પ્રાચિન ગૌરવને પુનર્જિવિત કરવાની ઇચ્છાશક્તિ દર્શાવી હતી. સરદારે સોમનાથ મંદિરને સ્વતંત્ર ભારતની સ્વતંત્ર ભાવના સાથે જોડી હતી.
સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ગૃહમંત્રી અમિતશાહે જણાવ્યું હતું કે, 2010થી વડાપ્રધાન અને તત્કાલિન મુખ્યપ્રધાન મોદીએ સોમનાથના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. સોમનાથ મંદિર સ્વચ્છતાના મામલે ટોચ પર છે. સોમનાથની આરતીને ડિજીટલી સૌથી વધુ દર્શનાર્થીઓ જોવે છે. ભીખુભાઈ નામના દાતાના સહયોગથી 30 કરોડના ખર્ચે પાર્વતી માતાનું મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. 1783માં બનેલા મંદિરનું આજે જીર્ણોદ્ધાર કરાયો છે. સોમનાથનો મહિમા વિશ્વભરમાં પ્રસરે તે રીતે ટ્રસ્ટ આગળ વધશે. અનેક આક્રમણ વચ્ચે પણ સોમનાથ દરેક વખત ભવ્યતાથી ઉભરી આવ્યું છે
પર્યટનથી આધુનિકતાના સંગમથી શું ફાયદો થાય છે એને ગુજરાતએ નજીકથી નિહાળી અનુભવ્યું છે. હવે સોમનાથમાં મહાદેવના દર્શન સાથે આજના ત્રણ વિકાસકામો થકી સમુદ્ર દર્શન પથ વોક વે અને સોમનાથના ભવ્ય ભૂતકાળની અનુભૂતિ કરી શકશે. સોમનાથ મ્યુઝિયમ થકી આવનારી પેઢીને ઇતિહાસથી અવગત કરાવાશે સોમનાથ મંદિરની સમિપે દરિયાકિનાર 45 કરોડના ખર્ચે તૈયાર થયેલા દોઢ કિમી લાંબા વોક-વે પથ સોમનાથના સાગર દર્શન ગેસ્ટહાઉસથી ત્રિવેણી સંગમના બંધાર સુધીનો બનાવવામાં આવ્યો છે. સોમનાથ આવતા યાત્રિકોને વોક-વે પરથી એક તરફ સોમનાથ મહાદેવનું મંદિર અને બીજી તરફ ઘૂઘવતા સમુદ્રનો નજારો માણી શકે એ માટે દૂરબીન પણ મુકાયેલું છે. વોક-વે પથ પર યાત્રિકો સાઈકલિંગ અને વોકિંગનો લહાવો લઇ શકશે. વોક-વેમાં યાત્રિકો સમુદ્ર સામે બેસી લહાવો લઇ શકે એ માટે બેસવાની સુવિઘા ઊભી કરવામાં આવી છે. વોક-વેની મઘ્યે ફૂડ કોર્ટ કાર્યરત કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેનો ટૂંક સમયમાં લહાવો યાત્રિકોને મળતો થશે. ઉપરાંત વોક-વે પર પ્રવાસી ભારતની સંસ્કૃતિને લગતાં ચિત્રો નિહાળી શકશે, અહીં ગેલરીમાં રામાયણના જુદા-જુદા પ્રસંગોને તાદૃશ્ય કરતાં ચિત્રો મૂકવામાં આવ્યાં છે. રાત્રિના સમયે મ્યુઝિક અને રંગબેરંગી લાઈટ્સ વોક- વેની સુંદરતામાં વધારો કરશે.
સોમનાથ તીર્થમાં શિવ અને શક્તિના સમન્વય સમું નિર્માણ થનાર પાર્વતી માતાનું મંદિર 71 ફૂટની ઊંચાઇ ધરાવતું હશે. મંદિર અંબાજી પંથકના શ્વેત આરસપહાણ પથ્થરોનું બનશે. જેની પ્લેન્થ એરીયા 18,891 ચોરસ ફૂટ સાથે 66 કોલમ એટલે કે પીલરનું બાંઘકામ થશે. સંપૂર્ણ મંદિર બે થી ત્રણ વર્ષમાં બની જશે. મંદિરમાં સભા મંડપ, ગર્ભગૃહ વિભાગો હશે. પાર્વતી માતાજીના સભા મંડપનું લેવલ હાલના સોમનાથ મંદિર જેટલું સમકક્ષ હશે. મંદિરનું ગર્ભગૃહ 14 બાય 14 ફૂટ રહેશે. મંદિર લાઇટીંગ રોશનીથી સુશોભિત કરાશે. દિવ્યાંગ, અપંગ દર્શનાર્થીઓ માટે મંદિરના પગથીયાં પાસે વ્હીલ્ચેર સહિત મંદિરમાં પહોંચી શકે તેવા ઢોળા બનાવાશે. સોમનાથ મંદિરની જેમ દક્ષિણ દ્વારેથી સમુદ્ર દર્શન પણ થઇ શકશે.