રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
તાજેતરમાં ગત માસે ગુજરાતમાં મેઘરાજાએ મેઘમહેર નહીં પરંતુ મેઘકહેર મચાવી દીધો હતો, અમદાવાદ જિલ્લામાં પણ ભારે વરસાદ પડવાના કારણે ખેતરોમાં પાણી ઘુસી જવાના કારણે વિરમગામ, માંડલ, દેત્રોજ, સાણંદ, દસકોઈ,ધંધુકા સહિતના તાલુકાના ખેડૂતોના પાકને નુકસાન થયું હતું અને અતિવૃષ્ટિના કારણે તમામ પાક નિષ્ફળ ગયો હતો જેના કારણે ગુજરાતના ખેડૂતોને પાક નિષ્ફળની સહાય અંતર્ગત ગુજરાતમાં ઠેરઠેર તાલુકામાં સર્વેની કામગીરી રાજ્ય સરકાર દ્વારા શરૂ દેવામાં આવી છે. જોકે માંડલ અને વિરમગામ તાલુકાને અતિવૃષ્ટિમાં સામેલ ન કરતાં વિરમગામ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય તેજશ્રીબેન પટેલે ગુજરાત કૃષિમંત્રી આર.સી. ફળદુને પત્ર લખીને જણાવ્યું હતું કે, અમારા વિરમગામ અને માંડલ તાલુકામાં અતિવૃષ્ટિ થયેલ છે અને કડી-કલોલમાં વધારે વરસાદ થવાથી તે પાણી પણ વિરમગામ અને માંડલ તાલુકામાં આવતું હોય સમગ્ર તાલુકામાં ખેતીમાં કપાસ,એરંડા, જુવાર, ડાંગર જેવા પાકોને મોટાપાયે નુકસાન થયેલ છે અને ખેતરોમાં ધોવાણ પણ થયેલ છે અને વિરમગામના ફતેવાડી,વીરોચનગર,ડ્રેનેજમાં પણ વધારે પાણી આવવાથી વિરમગામ તાલુકામાં છ થી સાત જગ્યાએ ગાબડું પણ પડેલ છે અને અમુક ગામોના ખેતરમાં અત્યારે હાલ પાણી ભરાયેલા છે તો થયેલા નુકસાનનું યોગ્ય સર્વે કરી વિરમગામ અને માંડલ તાલુકાના ખેડૂતોને યોગ્ય વળતર મળે તેવી ભણામણ કરી છે.