15 મહિલા IPSને મહત્ત્વની કામગીરી, 9 અમદાવાદમાં.

Ahmedabad Latest

ગુજરાતમાં ચૂંટણી પહેલાં બદલીનો પહેલો ઘાણવો આવ્યો છે તેમાં વૂમન પાવર જોવા મળી રહ્યો છે. 9ને એસ.પી. તરીકે પ્રમોશન આપી 15 મહિલા પોલીસને મહત્વની કામગીરી સોંપાઈ છે. તો, રાજ્યમાં પાંચમું પોલીસ કમિશનરેટ ગાંધીનગર બનવાના ઠેકાણાં નથી છતાં પગાર પાડવા માટે ત્રણ એસ.પી. મુકાયાની ચર્ચા પોલીસ તંત્રમાં થઈ રહી છે. લાંબા સમયથી ચર્ચા હતી તેવી આઈપીએસની બદલીઓના પહેલા તબક્કામાં વૂમન પાવર જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં પાંચ મહિલા અધિકારી મુકાયા છે. પશ્ચિમ અમદાવાદના ઝોન-1 ડીસીપી તરીકે પ્રથમ વખત મહિલા અધિકારી ડો. લવિના વરેશ સિન્હા મુકાયા છે. અમદાવાદ શહેર પોલીસ હેડ ક્વાર્ટર જોઈન્ટ કમિશનરની પોસ્ટ ડાઉનગ્રેડ કરી ડો. કાનન દેસાઈ, ટ્રાફિક ડીસીપી તરીકે નિતા દેસાઈ, ટ્રાફિક વહીવટ ડીસીપી તરીકે ભક્તિ ઠાકર અને અમદાવાદ રેલવેમાં શ્વેતા શ્રીમાળીની નિમણૂંક કરવામાં આવી છે. વડોદરામાં ત્રણ મહિલા અધિકારી જુલી કોઠિયા ઝોન-1 ડીસીપી, અમીતા વાનાણીને ટ્રાફિક અને પન્ના મોમાયાને ઝોન-4 ડીસીપી તરીકે મુકવામાં આવ્યાં છે. સુરત ક્રાઈમ બ્રાન્ચમાં રૂપલ સોલંકી અને ઝોન-1 ડીસીપી તરીકે ઉષા રાડાને નિમણૂંક અપાઈ છે. ભરૂચ એસ.પી. તરીકે ડો. લીના પાટીલ ઉપરાંત સ્ટેટ ટ્રાફિકમાં પ્રમોશન સાથે અર્પિતા પટેલ અને શેફાલી બરવાલને નિમણૂંક અપાઈ છે. ભારતી પંડયાને ઈકોનોમિક ઓફેન્સ વિંગ, અમદાવાદ તેમજ જ્યોતિ પટેલને સ્ટેટ ટેકનિકલ સર્વિસીઝમાં મુકાયા છે. તો, અમદાવાદ શહેરમાં નવ ગુજરાતી અધિકારી ડીસીપી તરીકે મુકાયા છે. ઝોન-2માં જયદીપસિંહ જાડેજા, ઝોન-7માં ભગીરથસિંહ જાડેજા, ઝોન-4માં મુકેશ પટેલ, ઝોન-5માં બલદેવ દેસાઈ, એસઓજીમાં જયરાજસિંહ વાળા, ઈકોનોમિક ઓફેન્સ વિંગમાં ભારતી પંડયા, ટ્રાફિકમાં નીતા દેસાઈ, હેડકવાર્ટરમાં ડો. કાનન દેસાઈ અને એડમિનિસ્ટ્રેશનમાં ભક્તિ ઠાકરની નિમણૂંક કરાઈ છે. બદલીઓ પછી પોલીસ તંત્રમાં ગાંધીનગર પોલીસ કમિશનરેટ ક્યારે બનશે તેની સૌથી વધુ ચર્ચા છે. ગાંધીનગર ડીએસપી તરીકે તરૂણકુમાર દુગ્ગલને મુકવામાં આવ્યાં છે. રાજ્યમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ પછી પાંચમા પોલીસ કમિશનરેટ તરીકે ગાંધીનગરનું મહેકમ મંજુર થઈ ગયું છે અને પગારપેટે રકમ કેન્દ્ર સરકારમાંથી મળી રહી છે. આ કારણે નિર્લિપ્ત રાય, ઉષા રાડા અને ડો. પાર્થરાજસિંહ ગોહિલની ગાંધીનગર ડીસીપી તરીકે બદલી કરી રાજ્યના અન્ય વિસ્તારોમાં કામગીરી સોંપાઈ છે. નિર્લિપ્ત રાયને સ્ટેટ મોનિટરિંગ સેલ, ઉષા રાડાને સુરત ડીસીપી અને ડો. પાર્થરાજસિંહ ગોહિલને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં મુકાયા છે. ત્રણેય અધિકારીનો પગાર ગાંધીનગર ડીસીપી તરીકે થશે અને કામગીરી જે તે જગ્યાએ કરશે. સૂત્રો કહે છે કે, ગાંધીનગર કમિશનરેટ ચૂંટણી પહેલાં કાર્યરત થશે કે કેમ તે સવાલ છે. જો કે, સિનિયર આઈપીએસની બદલીઓ નજીકના ભવિષ્યમાં આવશે ત્યારે ગાંધીનગર પોલીસ કમિશનર તરીકે નિમણૂંક થઈ શકે છે. ગુજરાત પોલીસના ઇતિહાસમાં સાગમટે આટલા અધિકારીને પગાર પાડવા માટે બે-બે પોસ્ટિંગ આપવા પડયા હોય તેવી ઘટના પહેલી વખત બન્યાનું સૂત્રો કહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *