રો મટીરિયના ભાવોમાં આસમાની વધારો થયો છે ત્યારે કોન્ટ્રાક્ટરો દ્વારા આ ભાવ વધારાને કારણે તેમને પણ વધારો કરવાની માગ સાથે આંદોલન શરૂ કર્યું હતું. રાજ્ય સરકારે પરિપત્ર કરીને આવા કોન્ટ્રાક્ટરોને આ અંગેનો લાભ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિ. દ્વારા પણ આ પરિપત્રને અનુસંધાને કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજ્ય સરકારના પરિપત્ર પ્રમાણે છેલ્લા કેટલાક સમયથી સિમેન્ટ, સ્ટીલ અને ડામરના ભાવમાં વધારો થયો છે. જેને કારણે બાંધકામ પ્રવૃત્તિને અસર ન થાય તે માટે માલસામાનના ભાવો માટે ગુજરાત કોન્ટ્રાક્ટર એસો. દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. તે અનુસંધાન રાજ્ય સરકારે પરિપત્ર કરીને ભાવ વધારો આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં 1લી જાન્યુઆરી 2021ની સ્થિતિએ જે કામો પ્રગતિમાં હશે તેમને લાભ આપવામાં આવશે. તેમજ 1લી જાન્યુઆરી 2021 પછી થયેલા કામ પૂરતો જ ભાવ વધારો અપાશે. 1લી જાન્યુઆરી 2021 પહેલા પૂર્ણ થયેલા કામોને આ વધારાનો લાભ આપવામાં આવશે નહી. જે ટેન્ડર 30મી જૂન 2021 પછી સ્વીકારવામાં આવ્યા છે તેને પણ લાભ આપવામાં આવશે નહી. સાથે જે કામો 30મી સપ્ટેમ્બર 2022 સુધી પૂર્ણ થશે તે માટે જ આ ભાવ વધારો અપાશે. તાજેતરમાં કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવેલા વિરોધ અને ટેન્ડર નહીં ભરવાના વિરોધ બાદ સરકાર સાથે થયેલા સમાધાન બાદ તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, આ વધારો આપવાને અનુરૂપ અમદાવાદ મ્યુનિ.માં પણ તે અંગે સરવે કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં રસ્તા, ગટર, પાણીની કામગીરી, હાઉસિંગ સહિતની કામગીરીમાં જે કોન્ટ્રાક્ટરોના કામ આ સમયગાળા દરમ્યાન ચાલુ હશે તેને તેનો લાભ આપવામાં આવશે.