કોરોના ગુજરાત :પોલીસ-પબ્લિક વચ્ચે ઘર્ષણ, ઘર બહાર નીકળેલા લોકો પર પોલીસનો બળપ્રયોગ,ઉઠક-બેઠક કરાવી અને અટકાયત કરી

Corona Latest

ગુજરાતમાં કોરોનાના 33 પોઝિટિવ કેસ સામે આવી ચૂક્યા છે અને એકનું મોત થઈ ગયું છે. જેને પગલે સંપૂર્ણ રાજ્યમાં 31 માર્ચ સુધી સરકારે લૉકડાઉન કરી દીધું છે અને કલમ 144 લાગુ કરી છે. લોકો માત્ર જીવન જરૂરિયાતની ચીજવસ્તુ ખરીદવા માટે જ બહાર નીકળી શકશે. જો કોઈપણ વ્યક્તિ ઘરની બહાર કારણ વગર નીકળશે તો તેને પોલીસ અટકાવશે અને તેની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે. લૉકડાઉનનું ચુસ્ત પાલન માટે પોલીસ ઉપરાંત SRPની 6 કંપની, રેપિડ એક્શન ફોર્સની 4 કંપની પણ રાજ્યમાં તહેનાત કરવામાં આવી છે. પરંતુ 24 માર્ચની સવારની શરૂઆત પોલીસ અને લોકો વચ્ચેના ઘર્ષણથી થઈ હતી. પોલીસે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં સવારથી રસ્તા પર જઈ રહેલા લોકોને અટકાવીને પૂછપરછ શરૂ કરી રહી હતી. તેમજ સમજાવટથી કામ લીધું હતું. પરંતુ બપોર પડતા પડતા લોકોની આવન જાવન વધવા લાગતા પોલીસે પૂછ્યા વિના જ લોકોને ફટકારવાનું શરૂ કર્યું હતું. તેમજ ઘણી જગ્યાએ ઉઠક બેઠક પણ કરાવી અને અટકાયત કરી છે.

અમદાવાદઃ પોલીસે લોકોની સાથે મીડિયા કર્મીઓને ફટકાર્યાં
સમગ્ર રાજ્યમાં લોકડાઉન દરમિયાન આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે દૂધ, છાશ, જીવન જરૂરીયાત સહિતની વસ્તુઓ લેવા જવા છુટ આપવામા આવી છે. જો કે અમદાવાદ પોલીસે આજે કર્ફ્યુંની યાદ અપાવી હતી અને બહાર નીકળેલા લોકોને કારણ પૂછ્યા વિના જ મારવા લાગી હતી. સામાન્ય લોકોની સાથે સાથે પોલીસે પત્રકારો ને પણ લાકડીઓથી ફટકાર્યાં હતા. જેને પગલે મીડિયામાં પણ પોલીસની કામગીરી પ્રત્યે રોષ જોવા મળ્યો હતો.

સુરતઃ લોકોના ગળામાં બેનર લગાવ્યા હતા કે હું સમાજનો દુશ્મન છું
સુરતમાં લોકડાઉન દરમિયાન પોલીસ નિયમ પળાવવા મામલે ઉગ્ર બની હતી. પોલીસે ઘર બહાર નીકળતા લોકો પર બળપ્રયોગ કર્યો હતો. ઉધના વિસ્તારમાં લોકોને ઉઠક બેઠક કરાવી હતી. બીજી તરફ શહેરના અમુક વિસ્તારો જેવા અમરોલી અને કાપોદ્રા વિસ્તારમાં પોલીસે લોકોના ગળામાં બેનર લગાવ્યા હતા કે હું સમાજનો દુશ્મન છું. તાપી બ્રીજ પાર કરતાં લોકો પર પોલીસે બાઈકની સીટ પર દંડા પછાડ્યાં હતાં.

વડોદરાઃ વિવિધ બહાના હેઠળ નીકળેલા લોકોના વાહનો ડિટેઇન કરતા પોલીસ સાથે ઘર્ષણ
વડોદરા શહેરની વાત કરીએ તો શહેરના નવા બજારમાં દુકાનો ખોલીને બેઠેલા 3 વેપારીઓને પોલીસે ફટકાર્યાં હતા અને દુકાનો બંધ કરાવી હતી. તેમજ અકોટા-દાંડિયા બજાર બ્રિજ પર બાઇક લઇને નીકળેલા 3 યુવાનોને પોલીસે ઉઠક બેઠક કરાવી હતી. આ ઉપરાંત પાણીગેટ ટાંકી 3 રસ્તા પાસે વિવિધ બહાના હેઠળ નીકળેલા લોકોના વાહનો ડિટેઇન કરતા લોકો અને પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. પોલીસે બહાર નીકળીને જાહેરનામાનો ભંગ કરવા બદલ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં 15 લોકોની અટકાયત કરી છે. જ્યારે વડોદરા જિલ્લામાં જાહેરનામા ભંગની 8 ફરિયાદો નોંધાઇ છે.

રાજકોટઃ સમજાવટ બાદ પણ ન માનતા પોલીસે લાકડીઓથી ફટકારવાનું શરૂ કર્યું
જ્યારે રાજકોટ શહેરમાં મોટાભાગના લોકો લોકડાઉનનું પાલન કરી રહ્યા છે. પરંતુ કેટલાક લોકો કોઇને કોઇ બહાના બતાવી શહેરમાં ફરતા જોવા મળી રહ્યા છે. જેને પગલે પોલીસે આ લોકોને અટકાવી ઉઠક-બેઠક કરાવી રહી છે. તેમજ સમજાવ્યા બાદ પણ ન માન્યા હોવાથી પોલીસે લાકડીઓથી ફટકારવાનું શરૂ કર્યું હતું. શહેરમાં ચોકે ચોકે ગોઠવાયેલી પોલીસ એક એક વાહનચાલકને ઉભા રાખી રહી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *