બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા
હાલ ચોમાસાની ઋતુમાં દરેક સરકારી વિભાગ દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી હાથ ધરાઈ રહી છે.નર્મદા જિલ્લાના રાજપીપળા નજીકના જીતનગર સ્થિત પોલિસ હેડક્વાર્ટર ખાતે નાંદોદ તાલુકાના દઢવાડા ગામનો 25 વર્ષીય જી.આર.ડી જવાન રાકેશ સુકલ વસાવા પોતાના અધિકારીઓની સૂચના મુજબ ઝાડની વધેલી ડાળીઓ કાપી રહ્યો હતો, દરમિયાન અચાનક નીચે પટકાયો હતો બાદ એને તુરંત રાજપીપળા સિવીલ હોસ્પિટલમાં લવાયો હતો જ્યાં હાજર તબીબોએ એને મૃત જાહેર કર્યો હતો બાદ એના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે લઈ જવાયો હતો.
દરમિયાન મૃત જી.આર.ડી જવાન રાકેશ શુકલ વસાવાના પરિવારજનો ત્યાં આવી પહોંચ્યા અને પોતાના પુત્રનું મોત નીચે પટકવાથી નહીં પણ કરંટ લાગવાથી મોત થયું છે એવા આક્ષેપ લગાવ્યા હતા.તો બીજી બાજુ પોલીસ અધિકાતીઓએ સામે એમ કહ્યું હતું કે નીચે પડી જવાથી મોત નીપજ્યું છે.હવે આ મામલે વિવાદ સર્જાયો હતો, બીજી બાજુ જ્યાં સુધી મોતનું સાચું કારણ સામે ન આવે ત્યાં સુધી પોસ્ટ મોર્ટમ ન કરવા ગ્રામજનોની સાથે પરિવારજનો જીદ પકડીને બેઠા હતા.એક તરફ રાજપીપળા સિવિલ હોસ્પિટલના પટાંગણમાં મૃતક યુવાનના પરિવારજનોએ આક્રંદ મચાવ્યો હતો.
જો કે અંતે મૃતક જી.આર.ડી જવાનના પિતા સહિત અન્ય પરિવારજનો ત્યાં આવી પહોંચ્યા હતા અને સમજાવટને અંતે મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરી મૃતદેહની પરિવારજનોને સોંપણી કરાઈ હતી.રાજપીપળા ટાઉમ પીઆઈ આર.એન.રાઠવાએ જણાવ્યું હતું કે જી.આર.ડી જવાનનું મૃત્યુ ઝાડ પરથી નીચે પટકાતા થયું છે.તો કરંટ લાગવાથી મોત થયું હોવાના પરિવારજનોના આક્ષેપ બાબતે એમણે જણાવ્યું હતું કે પીએમ રિપોર્ટ આવશે ત્યારે ખબર પડે બાકી પ્રાથમિક તબક્કે તો ઝાડ પરથી નીચે પટકાતા મોત થયું હોવાનું અમારું તારણ છે.