રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
ગત ૨૦૧૯ વર્ષની સરખામણીમાં જિલ્લાના પરિણામમાં ૨૮.૮૯ ટકાનો વધારો
જિલ્લામાં ૭૦ વિદ્યાર્થીઓએ A-2 ગ્રેડ પ્રાપ્ત કર્યો.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ ૨૦૨૦માં લેવાયેલ ધો-૧૨ એચ.એસ.સી. સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું. ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થતા મહિસાગર જિલ્લાના પરિણામ અંગેની વિગતો આપતા જિલ્લા શિક્ષણાધિકારી શિલ્પાબેન પટેલે જણાવ્યું કે, માર્ચ ૨૦૨૦ માં લેવાયેલી ધોરણ-૧૨ એચ.એસ.સી. સામાન્ય પ્રવાહની પરીક્ષા ૫૯૭૯ વિદ્યાર્થીઓએ આપી હતી. જે પૈકી ૪૫૧૫ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતાં જિલ્લાનું પરિણામ ૭૭.૪૪ ટકા આવ્યું છે. પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર તમામ ને પટેલે શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યા છે. આ અંગેની વધુ વિગતો આપતા પટેલે જણાવ્યું કે, જિલ્લાના ૭૦ વિદ્યાર્થીઓએ A-2 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે.
આ ઉપરાંત મહિસાગર જિલ્લાના વર્ષ ૨૦૧૮માં ૩૨.૬૯ ટકા અને ૨૦૧૯ માં ૪૮.૫૫% આવેલ પરિણામની સરખામણીએ ચાલુ વર્ષે ૨૦૨૦માં ૭૭.૪૪ટકા પરિણામ સાથે ૨૮.૮૯ ટકા નો વધારો થવા પામ્યો છે.મહિસાગર જિલ્લામાં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ તમામ વિદ્યાર્થીઓને જિલ્લા કલેકટર આર.બી.બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ અભિનંદન પાઠવ્યા છે.