રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
અમરેલી જિલ્લામાં કોવિડ-૧૯ નો રોગચાળો ફેલાય નહિ તે માટે જિલ્લા કલેકટર શ્રી આયુષ ઓકના માર્ગદર્શન હેઠળ માહિતી ખાતા અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના તમામ પત્રકારમિત્રો તેમજ માહિતી ખાતાના અધિકારી-કર્મચારીઓ માટે ખાસ હેલ્થ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અંગે વધુ વાત કરતા ડેઝીગ્નેટેડ કોવિડ-૧૯ હોસ્પિટલના નોડલ અધિકારી ડો. બી. એલ. ડાભીએ જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં કોવિડ-૧૯ નો પગપેસારો થઇ ચુક્યો છે. આવી પરિસ્થિતિમાં વધુમાં વધુ લોક સંપર્કમાં આવતા વ્યક્તિઓનું તબીબી પરીક્ષણ ખુબ જ જરૂરી છે. જિલ્લાના પત્રકારમિત્રોને લોકડાઉન દરમિયાન વિશેષ છૂટ મળી છે આ ઉપરાંત એમનું વિવિધ જિલ્લામાં અવર જવર પણ વધુ હોય છે. તો આવી બાબતોને ધ્યાને રાખી આજે જિલ્લાના પત્રકારમિત્રોનું હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું.
એક પત્રકાર જણાવે છે કે અમરેલીની જનતા સુધી કોરોના વાયરસને લગતી સાચી માહિતી પહોંચાડવા અમે લોકો વિવિધ જાહેર સ્થળોની મુલાકાત લેતા રહીએ છીએ. જેના કારણે કોરોના વાયરસનો ચેપ લાગવાની ભીતિ સતત રહ્યા કરે છે. આવી પરિસ્થિતિમાં જિલ્લા માહિતી કચેરી અને આરોગ્ય વિભાગ તરફથી હેલ્થ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું એ ખરેખર પ્રશંસનીય છે. આજે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન અમારું તબીબી પરીક્ષણ થયું હતું અને જે લોકોને પણ તાવ, શરદી ઉધરસ જેવા લક્ષણો જણાય તો એમનું સેમ્પલ લેવાની કામગીરી પણ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી હતી.
અમરેલી જિલ્લાના દૈનિક-સાપ્તાહિક અખબારના તંત્રીશ્રીઓ, ઇલેક્ટ્રોનિક-ટીવી મીડિયાના પત્રકારમિત્રો, તેમજ મીડિયા જગતના અગ્રણીઓએ માસ્ક પહેરી સોશ્યલ ડિસ્ટન્સીગનું પાલન કરી હેલ્થ સ્ક્રીનિંગ કરાવ્યું હતું.