રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
નર્મદા જિલ્લામાં ક્ન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં આવેલ ધાર્મિક સ્થળો/ઉપાસના સ્થળો, મોલ્સ, રેસ્ટોરન્ટસ, હોટેલ/અતિથ્ય એકમોને કેટલીક શરતોને આધિન ખુલ્લુ રાખવા માટે નર્મદા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી તરફથી પ્રસિધ્ધ કરાયેલું જાહેરનામું.
વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરી છે. જે બાબતે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
ભારત સરકારના ગૃહ મંત્રાલયના હુકમથી સમગ્ર દેશમાં ક્ન્ટેનમેન્ટ ઝોનમાં તા.૩૦/૦૬/૨૦૨૦ સુધી લોકડાઉન લંબાવવામાં આવેલ છે તથા કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં પ્રતિબંધિત પ્રવૃતિઓ તબક્કાવાર ખોલવાનો હુકમ કરવામાં આવેલ છે. જેને અનુલક્ષીને નર્મદા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એમ.આર.કોઠારીએ તેમને મળેલી સત્તાની રૂએ નર્મદા જિલ્લામાં આવેલ ધાર્મિક સ્થળો/ઉપાસના સ્થળો, મોલ્સ, રેસ્ટોરન્ટસ, હોટેલ/અતિથ્ય એકમો કેન્દ્ર સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રલયની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાની શરતે તા.૦૮/૦૬/૨૦૨૦ થી ક્ન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં શરૂ કરી શકાશે તે રીતનું જાહેરનામું પ્રસિધ્ધ કરેલ છે.
આ સમય દરમ્યાન રાજય સરકાર/કેન્દ્ર સરકારશ્રીની વખતો વખતની સુચનાઓનું પાલન કરવાનું રહેશે. આ જાહેરનામું નર્મદા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં લાગુ પડશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ -૧૮૮ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની જોગવાઇઓ મુજબ શિક્ષાને પાત્ર થશે.આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીથી પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવેલ છે.