સમગ્ર દેશમાં કોરોના વાયરસ ની મહામારી ચાલી રહી છે ત્યારે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં પાછલા બે દિવસમાં સતત કોરોના સંક્રમિત બે કેસો બહાર આવતા વહિવટી તંત્ર અને સ્થાનીક રહીશો ની ચિંતામાં સતત વધારો થયેલો જોવા મળે છે.
કાલોલ તાલુકાના એરાલ ગમે બુધવારના રોજ નોંધાયેલ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ અન્ય ગ્રામ્ય વિસ્તાર વેજલપુરમાં પણ એક કેસ પોઝિટિવ નોંધાતા આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ સહિત તાલુકા અને જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓએ વેજલપુર ગામે ધામો નાંખ્યો છે. વેજલપુર પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા એક આરોપીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સ્થાનિક પોલીસ બેડામાં પણ હડકમ્પ મચી જવા પામ્યો છે.
મળતી માહિતી અનુસાર વેજલપુર પોલીસ મથકે પશુ અત્યાચાર ના આરોપી સદ્દામ યુસુફ ગોધરીયા ઉ.વ. 27 રહે. વેજલપુરનો કોવીડ-૧૯ ટેસ્ટ પોઝિટિવ આવતા વેજલપુર પોલીસબેડામાં ગભરાટ ફેલાઇ જવા પામ્યો છે. વેજલપુર પોલીસે ઉપરોક્ત આરોપીની કાયદેસરની ધરપકડ કરવા ગત સોમવારના રોજ સ્થાનિક પોલીસ સ્ટેશને નજર કેદ કરી કાયદા અનુસાર કોવીડ-૧૯ ટેસ્ટ માટે સેમ્પલ મોકલી આપવામાં આવ્યો હતો જે ગત રોજ પોઝિટિવ આવતા તેને સારવાર માટે ગોધરા કોવીડ-૧૯ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા સદર ઇસમના સંપર્કમાં આવેલ વ્યક્તિ ની યાદી બનાવી આરોગ્ય લક્ષી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. ઉલ્લેખનીય છે કે સદર આરોપીના સીધા સંપર્કમાં રહેલ વેજલપુર પોલીસ કર્મીઓની યાદી પણ તાલુકા આરોગ્ય તંત્રએ મેળવી આ તમામને કોરન્ટાઇન કરવા અંગેની કામગીરી આરંભી દીધી હોવાનું જાણવા મળેલ છે. કાલોલ પંથકમાં કોરોના સંક્રમિત થયો તે પૂર્વે શાંતિ ના માહોલમાં કામગીરી કરી રહેલ આરોગ્ય તંત્ર પાછલા બે દિવસમાં સતત બે કેસો નોંધાતા ઝડપી હરકતમાં આવ્યું છે.