બંગાળની ખાડીમાં સક્રિય થયેલું ડિપ્રેશન મ્યાનમાર સુધી પહોંચીને લો-પ્રેશરમાં પરિવર્તિત થયું છે, જેને કારણે વાતાવરણના મધ્ય લેવલમાં સૂકા અને ભેજવાળા પવન ભેગા થતાં બુધવારે અમદાવાદ સહિત મોટાભાગના વિસ્તારોમાં પલટો આવ્યો હતો. જેને કારણે વરસાદી માહોલ છવાયો હતો. હજુ આગામી 24 કલાક વાદળિયું વાતાવરણ રહેશે. એ પછી અમદાવાદ સહિત રાજ્યમાં ગરમી 2થી 3 ડિગ્રી સુધી વધી શકે છે. બુધવારે અમદાવાદમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો, વાદળિયા વાતાવરણ સાથે ઠંડા પવનો ચાલુ રહેતાં વરસાદી માહોલ સર્જાયો હતો. બુધવારે મહત્તમ તાપમાન 37.4 ડિગ્રી અને લઘુતમ તાપમાન મંગળવાર કરતાં 2 ડિગ્રી વધીને 25.4 ડિગ્રી નોંધાયું હતું. મોટાભાગના શહેરોનું તાપમાન 28થી 37 ડિગ્રી વચ્ચે નોંધાયો હતો. 48 કલાક દરમિયાન મોટાભાગના શહેરોના તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નહિવત છે. 48 કલાક બાદ ગરમીનો પારો 2થી 3 ડિગ્રી વધવાની શક્યતા હોવાથી કાઝઝાળ ગરમીની વકી હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે.શુક્રવારથી ગરમી-બફારાનું પ્રમાણ વધશે.બુધવારે બંગાળની ખાડી તરફથી આવતાં ભેજવાળા અને અફઘાનિસ્તાન- પાકિસ્તાન તરફથી આવતાં સૂકા પવનો વાતાવરણમાં મધ્ય લેવલે ભેગા થતાં પલટો આવ્યો હતો. ગુરુવારે પણ અમદાવાદ સહિત રાજ્યમાં બપોર સુધી વાદળિયું વાતાવરણ રહેશે. એ પછી શુક્રવારે મોડી સાંજથી સોમવાર સુધી ગરમી-બફારાનું પ્રમાણ વધશે.