રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા
રાજપીપલા શહેરી વિસ્તારમાં અંદાજે ૩૪ હજારથી પણ વધુ લોકોએ કર્યું ઉકાળાનું સેવન
નોવેલ કોરોના વાયરસના સંક્રમણ જન્ય વ્યાધી સામે લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધે તે હેતુસર જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ આયુષની કચેરી, ગાંધીનગરની ગાઇડલાઇન અનુસાર સમગ્ર જિલ્લામાં નિ: શુલ્ક આયુર્વેદ ઉકાળાનો લાભ ગ્રામ્ય અને શહેરીજનો વધુમાં વધુ લઇ શકે તે માટે નિ:શુલ્ક ઉકાળા વિતરણ અભિયાન હાથ ધરાયું છે. ત્યારે પ્રજાજનોને કોઇપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે ડોર ટુ ડોર ઘરે બેઠા જ ઉકાળો મળી રહે તે માટે જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરીની સાથે સ્વામી વિવેકાનંદ ગૃપ, રોટરી કલ્બ અને સમસ્ત વૈષ્ણવ વણીક સમાજના સહયોગથી છત્ર વિલાસ સોસાયટી,રાજેન્દ્રનગર સોસાયટી, સિંધીવાડ સહિત અન્ય વિસ્તારો અને જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ ઉકાળાનું વિતરણ કરાયું છે. આજે અંદાજે ૩૪ હજારથી પણ વધુ લોકોએ ઉકાળાનું સેવન કર્યું હતું.
રાજપીપલાની આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના પ્રોફેસરશ્રી વિજ્યસિંહ રાજે જણાવ્યું હતું કે, નોવેલ કોરોના વાયરસથી સુરક્ષિત રહેવા અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદ ઉકાળાનું દરોજ નિયમિત સેવન કરવું જોઇએ. જિલ્લા પ્રશાસન દ્વારા તૈયાર ઉકાળો લોકોના ઘર સુધી પહોચાડવામાં આવે છે જેથી બાળકો અને વડીલોને પણ તેનો લાભ મળ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.
રાજપીપલાની છત્રવિલાસ સોસાયટીના રહીશ શ્રીમતી પ્રિતીબેન. એચ.પટેલે કહ્યું કે, હું નિયમિત ઉકાળાનું સેવન કરૂ છું. મારે ઘરે તૈયાર ઉકાળો બનાવીને આપવા આવે છે ત્યારે હું તો પીવું છું પરંતુ મારા ઘરના દરેક સભ્યો ઉકાળો પીવાથી વંચિત ન રહે તેની પણ હું ખાસ તકેદારી રાખું છુ. ઉકાળા વિતરણની વ્યવસ્થા કરવા બદલ સરકારશ્રીનો આભાર પણ વ્યક્ત કર્યો હતો
રાજેન્દ્રનગર સોસાયટીમાં રહેતા રાજવીબેન રાજેન્દ્રકુમાર પટેલે કહ્યું કે, અમે છેલ્લા પાંચ દિવસથી ઉકાળાનું સેવન કરીએ છીએ. ઉકાળો લાગે કડવો પણ કોરોના સામે સુરક્ષિત રહી શકીએ છીએ અને કોરોનાને હરાવી શકીએ તે માટે પણ ઉકાળાનું સેવન કરવું જોઇએ.જિલ્લાના મહિલા અગ્રણી ભારતીબેન તડવી અને રાજપીપલા નગરપાલિકાના સભ્ય શ્રીમતી કિંજલબેન તડવીએ છત્ર વિલાસ સોસાયટીમાં લોકોના ઘરે ઘરે જઇને ઉકાળાનું વિતરણ કર્યું હતું.
જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ડૉ. નેહા પરમારે ઉકાળા વિતરણની મુલાકાત દરમિયાન લોકોને ઉકાળાનુ સેવન કરવા અપીલ કરી હતી. તેમજ જિલ્લાના પ્રજાજનોને ઉકાળા બનાવવા માટેની દવા વડીયા પેલેસ ખાતે કાર્યરત સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ખાતેથી મેળવી શકશે તેમ તેઓએ જણાવ્યું હતું.
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના નર્મદા જિલ્લાના સંયોજક શ્રી સંજ્યભાઇ તડવી અને તેમની સમગ્ર ટીમ દ્વારા ડોર ટુ ડોર ઉકાળાનું વિતરણ કરાયું હતું. તેમજ ઉકાળા વિતરણમાં જે તે કેન્દ્ર પરના સ્થાનિક આગેવાનોના સહયોગથી પાંચ દિવસની ઉકાળા વિતરણની કામગીરી પૂર્ણ થયેલ છે.