ગાડી, ફ્લેટ સહિતની માંગણી પૂરી ન કરનાર પત્ની ઉપર પતિએ ચાકૂથી હુમલો કરી પિયરની વાટ પકડાવી દીધી હતી. પાંચ માસ સુધી સાસરીયાઓ પરિણીતાને સાસરીમાં ન બોલાવતા આખરે પરિણીતાએ પતિ, સાસુ, નણંદ, દીયર અને કાકા સસરા સામે ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના પ્રતાપનગર અપ્સરા સ્કાઇ લાઇનમાં રહેતા સિતારામ ધનાલાલ ટેપણની દીકરી મોનાબહેનના લગ્ન તા.17-4-019ના રોજ 1920, રઘુવીર સોસાયટી, ઓઢવ, અમદાવાદ ખાતે રહેતા પંકજ ચાવલા સાથે થયા હતા. લગ્નના બીજા દિવસે પંકજે પત્ની મોનાને જણાવ્યું હતું કે, આપણે ફ્રેન્ડ તરીકે રહેવાનું છે. અને દુનિયા સામે પતિ-પત્ની તરીકે રહેવાનું છે. તેમ જણાવી ત્રાસ આપવાની શરૂઆત કરી હતી.
દિવસો પસાર થતા પતિ પંકજ, સાસુ અનિતાબહેને મોનાને જણાવ્યું કે, જો તારે અમારા ઘરમાં રહેવું હોય તો તારા બાપ પાસેથી ગાડી, ફ્લેટ અને સોના-ચાંદીના દાગીના લઇ આવીશ., તોજ શાંતિથી રહેવા મળશે. પતિએ જણાવ્યું કે, તારો ચહેરો, અવાજ, ચાલ, રૂપરંગ બરાબર નથી. મારા તારી સાથે બળજબરીથી લગ્ન થયા છે. હું ડીઝાને પ્રેમ કરું છું. તેમ જણાવી ત્રાસ આપતા હતા.
મોનાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તા.26-9-019ના રોજ દહેજ લાવવા માટે પતિએ ઝઘઢો કર્યો હતો. અને નણંદ જયશ્રીના કહેવાથી માર માર્યો હતો. એતો ઠીક એક રૂમમાં લઇ જઇ ચાકૂથી ડાબા હાથે ઇજા પહોંચાડી હતી. લોહી નીકળતા દીયર મનિષ અને કાકા સસરા ભરતભાઇ દવાખાને લઇ ગયા હતા. તે બાદ તેઓ મને વડોદરા મુકી ગયા હતા. અને જણાવ્યું હતું કે, બે માસ પછી તને લઇ જઇશું. અને આ બાબતની કોઇને જાણ ન કરવા તેમજ ફરિયાદ ન કરવા માટે ધમકી આપી હતી.
પિયરમાં મૂકી ગયાને પાંચ માસ વીતી ગયા હોવા છતાં, પતિ લેવા માટે ન આવતા આખરે મોનાએ વાડી પોલીસ મથકમાં પતિ પંકજ ચાવલા, સાસુ અનિતા, નણંદ જયશ્રી, દીયર મનિષ અને કાકા સસરા ભરત સામે વાડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. વાડી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.