ઠગાઇના બે કેસમાં જેલની હવા ખાઇ રહેલા બગલામુખી મંદિરના પ્રશાંત સામે તેની પૂર્વ અનુયાયી મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતાં ખળભળાટ મચી ગયો હતો. પોતાની પારિવારિક મુશ્કેલીઓથી ત્રાસેલી મહિલાએ પ્રશાંતને પોતાની વ્યથા સંભળાવતાં પ્રશાંતે તેની લાચારીનો ફાયદો ઉઠાવી સતત દુષ્કર્મ કર્યું હતું. તને દૈવી સ્વરૂપ પ્રાપ્ત થશે, તારે થોડો ભોગ આપવો પડશે, તેમ જણાવી પ્રશાંતે સાત વખત દુષ્કર્મ કર્યું હતું. પોલીસે પ્રશાંત ઉપાધ્યાય સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
સમસ્યાનું નિરાકરણ કરવા પ્રશાંતે ભોગ માગ્યો
શહેરના દક્ષિણ વિસ્તારમાં રહેતી 28 વર્ષીય મહિલાએ પ્રશાંત ઉપાધ્યાય સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, બગલામુખી મંદિરનો પ્રશાંત ઉપાધ્યાય સમાજમાં ધર્મગુરુ તરીકે સ્થાન ધરાવતો હોવાથી તેનો પતિ પ્રશાંતના અનુયાયીઓ મારફતે પ્રશાંતના સંપર્કમાં આવ્યો હતો. તેનો પતિ પ્રશાંતના ગોત્રી રોડની દયાનંદ સોસાયટી ખાતેના રહેઠાણમાં સત્સંગ અને સેવા માટે જતો હતો. પતિએ તેને પ્રશાંતના સત્સંગની વાતો કરતાં નવેમ્બર-2016માં તે પણ પ્રશાંતના સત્સંગમાં જવા માંડી હતી. દરમિયાન તેના ઘરમાં પતિ અને સાસુના નાની બાબતોના ઝઘડા અને પારિવારિક મુશ્કેલીઓ હોવાથી તેણે ગુરુ તરીકે રહેલા પ્રશાંતને સમસ્યા જણાવી હતી. પરિણીતાએ સમસ્યા જણાવતાં પ્રશાંતે તેની સમસ્યાનું નિરાકરણ કરવા ભોગ આપવો પડશે તેમ જણાવ્યા બાદ મહિલા પ્રશાંતની વાતોમાં આવી ગઇ હતી.
દૈવી સ્વરૂપની લાલચે સતત દુષ્કર્મ કર્યું
પ્રશાંતે તેને બપોરે અઢી વાગે વોટ્સ એપ કોલ કરી મળવા બોલાવતાં તે બંને છોકરાઓને સુવડાવી પ્રશાંતના ઘેર ગઇ હતી. જ્યાં તે નીચે હોલમાં બેઠી હતી ત્યારે દિશા ઉર્ફે જોન નામની છોકરી આવી હતી અને ગુરુજી ઉપરના રૂમમાં બોલાવે છે તેમ કહેતાં તે ઉપરના રૂમમાં ગઇ હતી. જ્યાં પ્રશાંતે બારણું અંદરથી બંધ કરી તારી બધી તકલીફો તારું દૈવી સ્વરૂપ બનવાથી દૂર થઇ જશે, તેમ જણાવી અડપલાં કર્યા બાદ જબરજસ્તી કરી તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ પ્રશાંતે મહિલાને બપોરના સમયે વારંવાર ફોન કરીને મળવા બોલાવી દુષ્કર્મ કર્યું હતું. 2017માં પણ તને દૈવી સ્વરૂપ પ્રાપ્ત થશે, તેમ કહી સતત દુષ્કર્મ કર્યું હતું. 2018માં પણ તેની સાથે બે-ત્રણવાર દુષ્કર્મ કર્યું હતું અને 2019માં પણ ત્રણ વાર દુષ્કર્મ કર્યું હતું. તેણે 2016થી 2019 સુધી સાતવાર પોતાની સાથે દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ પોલીસ સમક્ષ કરતાં ગોત્રી પીઆઇ એ.બી. ગોહિલે તપાસ શરૂ કરી હતી.
સતત દુષ્કર્મ કરીને મહિલાને મેડિકલ સ્ટોરમાંથી ગોળી લઇ લેવાનું કહેતો
મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે, 2019માં બપોરના એક વાગે પ્રશાંતે વોટ્સ એપ કોલ કરી તેને મળવા બોલાવતાં તે પ્રશાંતના ઘેર ગઇ હતી, જ્યાં બીજા માળે પ્રશાંતે તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. દુષ્કર્મ કર્યા બાદ પ્રશાંતે મહિલાને જણાવ્યું હતું કે, આપણે કોઇ પ્રિકોશન વાપર્યું નથી, તું મેડિકલ સ્ટોરમાંથી આઇ-પિલ નામની દવા લઇ લેજે. ત્યારબાદ પણ તેણે સતત તેની સાથે દુષ્કર્મ કર્યું હતું અને દરેક વખતે તેને સ્ટોરમાંથી આઇ-પિલ ગોળી લેવી પડતી હતી. બદનામ થવાના ડરથી તેણે કોઇને ફરિયાદ કરી નહતી. જોકે પ્રશાંતની ઠગાઇના કેસ બહાર આવતાં મહિલાએ હિંમત દાખવી પોલીસને ફરિયાદ કરી હતી.
પતિને સત્સંગ માટે સુરત મોકલી મહિલાને મળવા બોલાવી
મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, સુરતમાં જ્યારે પણ સત્સંગનો કાર્યક્રમ હોય ત્યારે પ્રશાંત તેના પતિને સુરત મોકલી દેતો હતો. તેનો પતિ સુરત જાય ત્યારબાદ પ્રશાંત મહિલાને ઘેર બોલાવી દુષ્કર્મ કરતો હતો. પ્રશાંત તેને વોટ્સ એપ કોલ કરીને બપોરના સમયે જ મળવા બોલાવી દુષ્કર્મ કરતો હતો અને આ વાત કોઇને કરવી નહીં તેવી ધમકી આપતો હતો.
જો તું મારી વિરુદ્ધમાં જઇશ તો તારું અમંગળ થશે
પોલીસે જણાવ્યું હતું કે, પ્રશાંત મહિલાનું શારીરિક શોષણ કરતો હતો પણ મહિલા પોતાની વ્યથા કોઇને કહી શકતી ન હતી. પ્રશાંત તેને વારંવાર કહેતો હતો કે, જો તું મારી વિરુદ્ધમાં જઇશ તો તારું અમંગળ થશે. જેથી મહિલા ગભરાઇ ગઇ હતી અને તેણે ફરિયાદ કરી ન હતી. પ્રશાંતની ઠગાઇના કેસ બહાર આવતાં તેનામાં હિંમત આવી હતી.જબરદસ્તીથી મારી સાથે મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યુ મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, હું નીચેના હોલમાં બેઠેલી હતી. ત્યારે દિશા ઉર્ફે જોન નામની છોકરી મારી પાસે આવી હતી અને મને કહ્યું હતું કે, ગુરૂજી તમને ઉપરના રૂમમાં બોલાવે છે. જેથી હું ઉપર બીજા માળે પ્રશાંત ગુરૂજીનો બેડરૂમ આવેલો છે, ક્યાં ગઇ હતી. એટલી વારમાં પ્રશાંત ગુરૂજીએ અંદરથી બારણુ બંધ કરી દીધુ હતુ અને ત્યારબાદ મને કહેવા લાગ્યા હતા કે, તારા ઘરમાં જે કાંઇ પણ તકલીફો છે તે તકલીફો તારા દૈવી સ્વરૂપ બનવાથી દૂર થઇ જશે અન એવી વાતો કરતા કરતા તે મને અડપલા કરવા લાગ્યો હતો. મે તેમને દૂર રહેવા જણાવ્યું હતું. તો તેમણે મારી સાથે જબરદસ્તીથી મારી સાથે મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યુ હતું. તેમને મારી સાથે 7 વખત દુષ્કર્મ આચર્યું હતું. જેથી મે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પ્રશાંત ઉપાધ્યાયને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો ઉલ્લેખનિય છે કે, વડોદરા શહેરના વારસિયા રિંગ રોડ પર આવેલા બગલામુખી બ્રહ્માસ્ત્ર મંદિરના ગુરૂ પ્રશાંત ઉપાધ્યાય સામે વારસિયા પોલીસમાં વેપારી પાસેથી 21.80 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ હતી. આ ઉપરાંત બગલામુખી મંદિરમાં રહેતો યુવક છેલ્લા 3 વર્ષથી રહસ્યમય રીતે ગુમ થતાં તેની માતાએ બગલામુખી મંદિરના ગુરૂ પ્રશાંત ઉપાધ્યાય, કિરણબેન ગુરૂમુખ અને કોમલ ઉર્ફે પીંકી ગુરૂમુખભાઇ સામે વારસીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પ્રશાંત ઉપાધ્યાયે આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી. જોકે આગોતરા જામીન નામંજૂર થયા બાદ પ્રશાંત ઉપાધ્યાય પોલીસ પકડથી બચવા માટે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. વારસીયા પોલીસે ટીમો બનાવીને પ્રશાંત ઉપાધ્યાયની શોધખોળ હાથ ધરી હતી. છેવટે પોલીસે પાખંડી પ્રશાંત ઉપાધ્યાયની વાપીમાંથી ધરપકડ કરી હતી, ત્યારબાદ પ્રશાંત ઉપાધ્યાયને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.