મૂળ વડોદરાના વતની આનંદ શાહ અને દર્શન પટેલ દ્વારા યુકે માં અનોખી સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. વડોદરાના આ બંને યુવાનો દ્વારા છેલ્લા 10 વર્ષથી યુકેમાં ક્રિમ્પ ટર્મ નામની કંપની ચલાવવામાં આવે છે. જે કંપની દ્વારા યુકેના ઐતિહાસિક હેડિંગલી લીડ્સ સ્ટેડિયમમાં યોર્કશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબ સાથે 5 વર્ષના ભાગીદારી કરાર કરવામાં આવ્યા છે. યુકે ખાતે કાર્યરત હેડિંગલિ લીડ્સ સ્ટેડિયમના 163 વર્ષના ઇતિહાસમાં સૌપ્રથમ વખત કોઈ ભારતીય કંપની મુખ્ય પ્રયોજક તરીકે નિયુકત થઇ છે. ગુજરાતના વડોદરાના યુવા આનંદ શાહ અને દર્શન પટેલ દ્વારા આ ભાગીદારી થકી ક્રિકેટ સાથે વિવિધ રમતોને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ રાખવામાં આવેલ છે. હેડિંગલિ લીડ્સ સ્ટેડિયમ ખાતે કાઉન્ટી ક્રિકેટ એટલે કે 9 થી 15 વર્ષના કિશોર અને કિશોરીઓને ક્રિકેટ રમતમાં આગળ વધવા માટે મંચ પૂરો પાડવામાં આવે છે. ત્યારે હવે યોર્કશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબ સાથે ભાગીદારી બાદ યુવા ખેલાડીઓને વિવિધ જૂથમાં તક પ્રદાન કરવામાં ભારતીય કંપની અને ખાસ ગુજરાતી યુવાઓનો ફાળો રહશે. ક્રિમ્પ ટર્મ કંપનીના બંને યુવા ડાયરેક્ટર આનંદ શાહ અને દર્શન પટેલે જણાવ્યું હતું કે “અમને યોર્કશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબ સાથે સંકળાયેલા હોવાનો ગર્વ છે કે જેઓ યુવાન ખેલાડીઓના વિવિધ જૂથને તકો પ્રદાન કરતી અદભૂત પાથવે સિસ્ટમ ધરાવે છે અને યોર્કશાયર ક્રિકેટ ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવતા કાર્યક્રમોની શ્રેણી દ્વારા સ્થાનિક સમુદાયોમાં નોંધપાત્ર પ્રભાવ પાડે છે. અમે આગામી વર્ષોમાં અમારી ભાગીદારીને વધુ મજબૂત કરવા આતુર છીએ.”