એકબાજુ ધગધગતો ઉનાળો તપી રહયો હોવાથી સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક જગ્યાએ પાણીની રામાયણ સર્જાઈ છે તો બીજી બાજુ ધ્રાંગધ્રા તાલુકાનાં કેટલાક ગામોમાં માઈનોર કેનાલનાં કામ અધુરા હોવાથી ખેડુતો અને નાગરીકોને પાણી માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યોે હોવાની લોક ફરિયાદો વ્યકત થઈ રહી છે.ધ્રાંગધ્રા તાલુકાનાં હરીપર, રાજગઢ, હીરાપુર, જશાપર, બાવળી સહીતનાં ગામોને નર્મદાનો લાભ મળે તેવા હેતુથી પેટા કેનાલોનું આયોજન થયુ હતુ પરંતુ પેટા કેનાલની સરકારી ચોપડે પૂર્ણ કામગીરી દર્શાવાય છે. જયારે ખરેખર કેટલીક જગ્યા ઉપર કેનાલના કામો અધુરા નજરે પડે છે તેથી પેટા કેનાલ નિર્માણમાં કરોડોનો ખર્ચ સરકારી ચોપડે દર્શાવી ભ્રસ્ટાચાર આચરાયો હોવાનું ચર્ચાય છે. જશાપર ગામે કરોડો રૃપિયાનો ખર્ચ કરી આશરે આઠ જેટલી પેટા કેનાલો નિર્માણ થઈ હોવાનું સરકારી ચોપડે દર્શાવાયુ છે પરંતુ અહીં માત્ર બે પેટા કેનાલ જ કામ પૂર્ણ થયા હોવાનું કહેવાય છે. માલીકીનાં ખેતરમાંથી નીકળતી એકાદ કેનાલનું તો વળતર પણ ચુકવી દેવાયુ છે છતા આજ સુધી આ કેનાલ અદ્રશ્ય હોવાનું સામે આવ્યુ છે. જશાપર ગામનાં ખેડુત મહેશભાઈના જણાવ્યા મુજબ નર્મદા કેનાલમાંથી નીકળતી પેટા કેનાલના કામમાં અગાઉ પણ ભ્રષ્ટાચારની રજૂુઆતને લઈને નર્મદા વિભાગના અધિકારી પર એ.સી.બી.એ કાર્યવાહી કરતા બેનામી સંપતિ મળી હતી. ત્યારે હજુ પણ પેટા કેનાલનું કામ પુર્ણ જોવા મળે છે. જશાપર ગામ નજીકથી નીકળતી મુખ્ય કેનાલમાંથી ભેચડા ગામ તરફ જતી પેટા કેનાલ સરકારી ચોપડે નિર્માણ પામી છે પરંતુ આ કેનાલ ખરેખર સ્થળ ઉપર નજરે પડતી નથી તેમ કહેવાય છે. આ તમામ બાબતની ઉચ્ચકક્ષાએથી ગંભીર નોંધ લઈ તાકીદે યોગ્ય પગલા લેવામાં આવે તેવી ખેડુતોમાંથી માંગણી ઉઠવા પામી છે.