બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા
નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ વંશ્વિક મહામારીમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત ચિંતિત છે. વેક્સીન બનાવવાની અને વેક્સીન આપવાની કામગીરી શ્રેણીબધ્ધ આયોજન સાથે અગ્રસર રહિને અવિરત કરી રહી છે. ભારત સરકાર દ્વારા કોવિડ-૧૯ મહામારીને અટકાવવા માટે હાલમાં કોવિશિલ્ડ અને કોવેક્સીન અમલમાં મૂકીને હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સને અગ્રતા ધોરણે આ વેક્સીનના લાભનો પ્રિવીલેજ (હક્ક) અપાયો છે, ત્યારે આ રસીકરણ માટે સફળતાપૂર્વક નોંધણી થયેલ અને રસી ન લીધી હોય તેવા હેલ્થકેર વર્કર્સને તા.૨૫ મી ફેબ્રુઆરી સુધીમાં અને ફ્રન્ટલાઇન વર્કર્સને તા.૧ લી માર્ચ સુધીમાં આ રસીના પ્રથમ ડોઝના લાભની તક ઝડપી લેવા હ્રદયસ્પર્શી અપીલ સાથે ખાસ અનુરોધ કર્યો છે. ઉક્ત સમયાવધિ પૂરી થયેથી જેમણે રસી માટે પ્રિવીલેજ મળેલ છે. તેવા તમામ લોકો તેમને મળેલી આ તક ગુમાવી દેશે તે બાબથી સચેત રહેવા પણ તેમણે ભારપૂર્વક જણાવ્યું છે.
નર્મદાના ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી એલ.એમ.ડીંડોર, પ્રાયોજના વહિવટદાર બી.કે.પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કે.પી.પટેલ, સિવિલ સર્જન ડૉ.જ્યોતીબેન ગુપ્તા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.વિપુલ ગામીત, એપેંડેમીક મેડીકલ ઓફિસર ડૉ.આર.એસ.કશ્યપ, વિશ્વ આરગ્ય સંસ્થા અને યુનિસેફના પ્રતિનિધિઓ, આરોગ્ય વિભાગના તબીબી અધિકારીઓ તેમજ જુદા જુદા વિભાગના અન્ય અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં ડિસ્ટ્રીક્ટ ટાસ્ક ફોર્સ ફોર કોવિડ-૧૯ વેક્સીનેશન-મિશન ઇન્દ્રધનુષની યોજાયેલી સમીક્ષા બેઠકને અધ્યક્ષસ્થાનેથી સંબોધતા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે વધુમાં જણાવ્યું હતું કે, વૈજ્ઞાનિકોના અથાગ પરિશ્રમ બાદ તૈયાર થયેલી બહુમૂલ્ય કોરોના વિરોધી રસીનો ડોઝ આજદિન સુધી દેશમાં ૧ કરોડથી પણ વધુ લોકોને અપાઇ ચૂક્યો છે. આ વેક્સીન સુરક્ષિત છે એટલે કોઇપણ પ્રકારની શંકા રાખ્યા વિના ક્રમ મુજબ જેમનો વારો આવે તેવા તમામને સમયસર વેક્સીનનો ડોઝ લઇને પોતાની જાતને સુરક્ષિત રાખવાની સાથોસાથ પોતાના કુટુંબ અને આજુબાજુમા સંપર્કમાં આવનારને પણ સુરક્ષા પ્રદાન કરવા શાહે જાહેર અનુરોધ કર્યો છે.
આ બેઠકમાં ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી એલ.એમ.ડિંડોર, મુખ્ય જિલ્લા અરોગ્ય અધિકારી ડૉ.કે.પી.પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.વિપુલ ગામીતે પણ નર્મદા જિલ્લામાં કોરોના વિરોધી રસીકરણ અભિયાન અંતર્ગત જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા આ દિશામાં થઇ રહેલા પ્રયાસોની જાણકારી સાથે નિયત સમયાવધિમાં સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટે કેટલાંક રચનાત્મક સૂચનો સાથે જરૂરી માર્ગદર્શન પણ પુરૂં પાડ્યું હતુ. આ રસીના બે ડોઝ લીધા બાદ તે અંગે ઓનલાઇન જનરેટ થનારા પ્રમાણપત્રની અગત્યતા અને તેની ઉપયોગિતાની વિસ્તૃત જાણકારી સાથે સમજ પણ અપાઇ હતી.