કહ્યું-2027ની ચૂંટણી નહીં લડું, મને સંતોષ છે, રાજીનામું પાછું ખેંચવા વિચારું છું.
તાજેતરમાં ભાજપે વડોદરાનાં સાંસદ રંજનબેન ભટ્ટને ત્રીજી ટર્મ માટે રિપીટ કર્યા હતા. એને પગલે વડોદરા ભાજપમાં ભૂકંપની સ્થિતિ સર્જાઈ છે. રંજનબેનને ટિકિટ આપ્યાના બીજા જ દિવસે ભાજપનાં રાષ્ટ્રીય મહિલા મોરચાનાં ઉપાધ્યક્ષ ડો.જ્યોતિબેન પંડ્યાએ વિરોધ નોંધાવ્યો હતો. એને પગલે પાર્ટીએ તેમને સસ્પેન્ડ કરી દીધા હતા. આમ છતાં જ્યોતિબેન મક્કમ રહીને નારાજગી વ્યક્ત કરતાં રહ્યાં હતાં. આ ઘટનાક્રમ વચ્ચે અચાનક જ 19 માર્ચની સવારે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું મોકલી દેતાં વડોદરા ભાજપમાં રહેલો જૂથવાદ સપાટી પર આવી ગયો છે. જો કે ત્યાર બાદ મુખ્યમંત્રીએ તેમની સાથે વાત કરી હતી અને હકુભાને વડોદરા દોડાવ્યા હતા. ત્યાર બાદ ઇનામદાર વડોદરાથી પાટીલ સાથે બેઠક કરવા માટે 2 વાગ્યે ગાંધીનગર આવ્યા હતા. જ્યાં બન્ને વચ્ચે બંધ બારણે મુલાકાત થઈ હતી. આ મુલાકાત બાદ કેતન ઇનામદાર ઢીલા પડ્યા હતા.
નારાજ કેતન ઈનામદાર બપોરે બે વાગ્યે સી.આર. પાટીલના બંગલે પહોંચ્યા હતા. બેઠકમાં પહોંચતા પહેલા તેમણે રાજીનામા અંગે કહ્યું કે, હું અડગ છું. ત્યાર બાદ સી.આર. પાટીલ સાથે બંધબારણે બેઠક યોજાઈ હતી. આ બેઠક પૂર્ણ થયા બાદ સવા ત્રણ વાગ્યે મીડિયા સમક્ષ આવી ઇનામદારે કહ્યું કે, રાજીનામું પાછું ખેંચવા માટે હું વિચારી રહ્યો છું. પાટીલ સાથે ચર્ચા કર્યા બાદ મને સંતોષ છે. અંતરઆત્માને માન આપી રાજીનામું આપ્યું હતું. મને મારા પ્રશ્નો પૂર્ણ કરવા માટે ખાતરી આપી છે. મહિ વિયર પ્રોજેક્ટને લઈ મને અસંતોષ હતો. આચારસંહિતા પૂર્ણ થાય તે પહેલા કામ પૂર્ણ થાય તેવો મારો આગ્રહ હતો.
રાજીનામાના મેઈલથી લઈ પાટીલ સાથેની બેઠકનો ઘટનાક્રમ.
- રાત્રે 1.35 વાગ્યે રાજીનામાનો મેઈલ કર્યો
- સવારે 9 વાગ્યે ભાજપમાં જ રહેવાની વાત કરી
- 11 વાગ્યે ઇનામદારને મનાવવાના પ્રયાસ શરૂ થયા
- રાજેશ પાઠક અને હકુભા મનાવવા માટે દોડી ગયા
- 2 વાગ્યે પાટીલને મળવા ઇનામદાર ગાંધીનગર પહોંચ્યા
- 2.30 વાગ્યે પાટીલ અને ઇનામદાર વચ્ચે બેઠક થઈ
- પાટીલ સાથેની બેઠક બાદ 3.15 વાગ્યે કહ્યું-હું રાજીનામું પાછું ખેંચવા વિચારું છું.
પોલિટિકલ પ્રેશર બનાવવા રાજીનામાનો ડ્રામા કર્યો?
મોડી રાત્રે કેતન ઇનામદારે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને ઇ-મેઇલ દ્વારા પોતાના ધારાસભ્યપદેથી રાજીનામું આપતો પત્ર મોકલ્યો હતો. પરંતુ વિધાનસભા અધ્યક્ષને રૂબરૂ રાજીનામું ન આપે ત્યાં સુધી ધારાસભ્યપદ પરથી રાજીનામું આપ્યું એવું કહી શકાય નહીં. અધ્યક્ષને રૂબરૂ રાજીનામું સોંપવાની પ્રક્રિયા કેતન ઇનામદારે પૂરી કરી નહોતી, જેથી આ રાજીનામું માન્ય ગણાય નહીં.કેતન ઇનામદારે જો ધારાસભ્યપદેથી રાજીનામું આપવું જ હોય તો વિધાનસભા અધ્યક્ષની અગાઉથી કેમ એપોઇન્ટમેન્ટ ના લીધી? મોટા ભાગે કોંગ્રેસમાંથી રાજીનામું દઈને ભાજપમાં જોડાતા ધારાસભ્યો વિધાનસભા સ્પીકરની એપોઈન્ટમેન્ટ લે છે અને પછી તેમને રૂબરૂમાં મળીને રાજીનામું આપે છે, પરંતુ કેતન ઇનામદારે માત્ર રાજીનામાનો મેઈલ કર્યો. આ પહેલાં પણ રૂપાણી સરકાર વખતે તેઓ આ પ્રકારનો ડ્રામા કરી ચૂક્યા છે. આમ, ઇનામદારનું રાજીનામું પાર્ટી પર પોલિટિકલ પ્રેશર બનાવવા જ આપ્યું હોય એમ લાગી રહ્યું છે.