અમદાવાદમાં કોરોના ઓસરતાં હવે લોકો સામાન્ય જીવન તરફ વળ્યાં છે. પ્રવાસન સ્થળો તથા શહેરના બજારોમાં લોકોની ભીડ હવે સામાન્ય થઈ ગઈ છે. ત્યારે અમદાવાદના કાંકરિયા ઝૂમાં આવતા મુલાકાતીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે. ઉનાળાનું વેકેશન હોવાથી હજી પણ મુલાકાતીઓની સંખ્યા વધશે. ત્યારે કાંકરિયા ઝૂમાં જૂનાગઢના સક્કરબાગ ઝૂમાંથી સિંહ અને સિંહણની જોડી લાવવામાં આવી છે. હવે કાંકરિયા ઝૂમાં કુલ બે સિંહ અને સિંહણની જોડી થઈ ગઈ છે. રિક્રીએશનલ કલ્ચરલ એન્ડ હેરીટેઝ કમિટીના ચેરમેન રાજુભાઈ દવેએ જણાવ્યું હતું કે સકકરબાગ ઝૂઓલોજીકલ પાર્ક, જુનાગઢથી સિંહ-સિંહણની એક જોડી કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં 8 માર્ચના રોજ લાવવામાં આવી છે. ખાસ બાબત એ છે કે પ્રાણી સંગ્રહાલયમાં લાવવામાં આવેલી સિંહ- સિંહણની જોડીની ઉંમર નાની છે. સિંહની ઉંમર 4 વર્ષ અને 4 માસની તથા સિંહણની ઉંમર 4 વર્ષ અને 6 માસની છે. સામાન્ય રીતે સિંહ અને સિંહણ નું આયુષ્ય 15 વર્ષનું હોય છે પરંતુ તેઓને પ્રાણી સંગ્રહાલયમાં લાવવાથી તેમનું પાંચેક વર્ષ આયુષ્ય વધી જાય છે. કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના ડાયરેક્ટર આર.કે સાહુએ જણાવ્યું હતું કે અહીં અંબર અને જાનકી નામની સિંહ – સિંહણની જોડી હતી. જૂનાગઢથી વધુ એક જોડી લાવવામાં આવી છે. જેને સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી, નવી દિલ્હીના નીતિ નિયમો અનુસાર એક માસ માટે કવોરેન્ટાઈન કરવામાં આવેલા હતા. હવે તેમનો કવોરેન્ટાઈન પીરિયડ પુરો થતા આજે 8 એપ્રિલના રોજ પ્રાણીસંગ્રહાલય, કાંકરિયામાં મુલાકાતીઓને નીહાળવા માટે ખુલ્લા રાખવામાં આવ્યા છે. અમદાવાદ કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં હાલમાં વાઘ- 02, રીંછ-01, દિપડા-06, હાથી-01, શિયાળ-17, હિપોપોટેમસ-02, તથા અંબર સિંહ અને જાનકી સિંહણની એક જોડી હતી તેમાં સિંહ-સિંહણ સકકરબાગ ઝૂમાંથી લાવ્યા બાદ હવે સિંહ સિંહણની સંખ્યા કુલ 4 (બે જોડી) થઈ છે. આર.કે સાહુએ ઉમેર્યું હતું કે, એશિયાટિક લાયનના કન્વવેરઝેશન પણ કરવામાં આવશે અને તેઓના બચ્ચાને અન્ય પ્રાણી સંગ્રહાલય દ્વારા માંગવામાં આવશે તો તેમને પણ આપવામાં આવશે.