આજે ધો.10નું બેઝિક ગણિતનું પેપર, વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા, સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર આવતી કાલે લેવાશે.

Ahmedabad Latest

ગુજરાત શિક્ષણ બોર્ડની પરીક્ષાનો આજે ત્રીજો દિવસ છે. આજે ધોરણ 10માં બેઝિક ગણિતનું પેપર છે. જે વિદ્યાર્થીઓએ બેઝિક ગણિત પસંદ કર્યું હશે તેમને જ આજનું પેપર આપવાનું રહેશે. તેમજ જે વિદ્યાર્થીઓએ સ્ટાન્ડર્ડ ગણિત પસંદ કર્યું હોય તેમણે આવતીકાલે સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર આપવાનું રહેશે. તે ઉપરાંત ધોરણ 12 કોમર્સમાં આજે રજા છે. જ્યારે 12 સાયન્સમાં આજે કેમેસ્ટ્રીનું પેપર લેવાશે. ધોરણ 10 અને 12 સાયન્સમાં પ્રથમ પેપર સરળ હતું તે પ્રકારે આજનું પેપર સરળ હોય તેવું વિદ્યાર્થીઓનું અનુમાન છે. પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓ પહોંચ્યાં છે. 10 વાગ્યાથી 1.15 વાગ્યા સુધી ધોરણ 10ની પરીક્ષા લેવાશે. ત્યાર બાદ 3 વાગ્યે ધોરણ 12 સાયન્સની પરીક્ષા લેવાશે. ધોરણ 10 અને 12ની પરીક્ષા 28 માર્ચથી શરૂ થઈ છે, જેમાં 14.98 લાખ વિદ્યાર્થી રાજ્યભરમાંથી પરીક્ષા આપી રહ્યાં છે. રાજ્યમાં ધોરણ 10ના 9.64 લાખ વિદ્યાર્થી પરીક્ષા આપી રહ્યા છે. 28 તારીખે ધોરણ 10માં ભાષાનું પ્રથમ પેપર સરળ રહેતાં વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી. પેપર પૂર્ણ થતાં સ્કૂલની બહાર પોતાના સંતાનને લેવા આવેલા વાલીઓનો જમાવડો જોવા મળ્યો હતો. એકંદરે પ્રથમ પેપર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું. ત્યારે આજે માત્ર બેઝિક ગણિત પસંદ કરનાર વિદ્યાર્થીઓ જ પેપર આપી શકશે. જ્યારે સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા આવતી કાલે લેવાશે. પરીક્ષા સચિવ દ્વારા પત્ર લખીને તમામ જિલ્લાના DEOને જાણ કરવામાં આવી છે કે, ધોરણ 10ની પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મમાં સ્ટાન્ડર્ડ ગણિતમાંથી બેઝિક ગણિતનો સુધારો હોલ ટિકિટ આવ્યા બાદ કરાવ્યો હોય તેવા વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા કરવા માટે ઝોનલ અધિકારીઓને જણાવવામાં આવ્યું છે. સુધારો કરનાર વિદ્યાર્થીઓની 30 માર્ચે જ બેઝિક ગણિતની પરીક્ષા લેવાશે, જેથી કોઈ વિદ્યાર્થી પરીક્ષાથી વંચિત ના રહી જાય. ધોરણ 10માં ગણિત વિષયનું પુસ્તક એક સરખું જ રહેશે અને શાળા કક્ષાએ લેવાતી પરીક્ષામાં પણ કોઈ ફેરફાર નહીં થાય, જોકે બોર્ડની પરીક્ષામાં 2 વિકલ્પ આપવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને ધોરણ 10ના બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરતી વખતે સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવશે. ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝિકના પ્રશ્નપત્રો અલગ હશે. બંને પ્રકારના પરીક્ષામાં પ્રકરણ બાદ ગુણ ભાર, પ્રશ્નોના પ્રકાર પ્રમાણે ગુણ ભાર તેમજ હેતુઓ પ્રમાણે ગુણ ભાર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *