ટ્રાફિક પોલીસ જ્યારે કોઈ નાગરિકને હેલમેટ નહીં પહેરવા બદલ પકડે, ત્યારે નાગરિકને મનમાં પ્રશ્ન થાય કે પોલીસ કર્મચારી હેલમેટ વિના નીકળે તો તેમની સામે કેમ પગલાં લેવાતાં નથી? આ સાચું છે. કારણ કે કાયદો બધાને માટે સમાન છે. આ સંજોગોમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનરે હેલમેટ પહેર્યા વિના વાહન હંકારતા પોલીસ અધિકારી-કર્મીઓને પકડવા ખાસ ઝુંબેશ હાથ ધરવાનો આદેશ જારી કર્યો છે. આગામી 26 માર્ચથી પહેલી એપ્રિલ સુધીમાં આ ડ્રાઈવ હાથ ધરાનાર છે. પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવના આદેશાનુસાર પોલીસ અધિકારી-કર્મીઓ પોતાની ફરજ પર આવતાં-જતાં હેલમેટ પહેર્યા વગર કાયદાનો ભંગ કરી વાહન ચલાવતા હોવાનું ધ્યાને આવ્યું છે, જે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંધન છે. આ બાબતે ચુસ્ત અમલ કરવા માટે 26 માર્ચથી 1 એપ્રિલ સાત દિવસ સુધી ખાસ ઝુંબેશ કરવાનો આદેશ ફાયો છે. આ ઝુંબેશ દરમિયાન ભંગ કરનારા કર્મચારીને પાસેથી દંડ વસૂલ કરવામાં આવશે સાથે ઉપરી અધિકારીઓ દ્વારા આ પોલીસ કર્મીઓ સામે શિસ્ત વિરુદ્ધના પગલાં લેવાનો પણ રીપોર્ટ કરવાનો રહેશે. ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે પોલીસ હેડક્વાર્ટર, પોલીસ કમિશનર કચેરી તેમજ તમામ પોલીસ અધિકારીની કચેરીમાં આવતા-જતા પોલીસ કર્મીઓ કાયદાનો ભંગ કરે તો તેમની વિરુદ્ધ મોટર વ્હિકલ એક્ટ અંતર્ગત કેસ કરવાની સૂચના આપી દેવામાં આવી છે, તેમજ આ સ્થળોએ ચેકિંગ પોઈન્ટ ગોઠવવાનો હુકમ કર્યો છે. આ ઝુંબેશ દરમિયાન કરેલી કામગીરીનો અહેવાલ સ્થાનિક પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે પોતાના સંબંધિત ઝોન ડીસીપીને મોકલવાનો રહેશે અને કામગીરીનો અહેવાલ દર બીજી દિવસે સંયુક્ત પોલીસ કમિશનર ટ્રાફિકની કચેરીને ઈમેઈલ કરવાની સૂચના આપી છે.