આજથી શાળા-ગ્રામ્ય કક્ષાની વિવિધ સ્પર્ધાઓનો પ્રારંભ થશે. રાજ્યમાં 11માં ખેલમહાકુંભનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કરાવ્યો છે, ત્યારે દાહોદ જિલ્લામાં ખેલમહાકુંભ અંતર્ગત આજથી શાળા તેમજ ગ્રામ્ય કક્ષાની વિવિધ સ્પર્ધાઓનો પ્રારંભ થયો છે. જિલ્લામાં ખેલમહાકુંભમાં 1.32 લાખથી વધુ સ્પર્ધકો ભાગ લેશે. જેમાં જિલ્લા અને તાલુકા કક્ષાએ તબક્કાવાર છ જેટલી વયજૂથમાં વિવિધ 22 રમતો યોજાશે. શાળા તેમજ ગ્રામ્ય કક્ષાની વિવિધ સ્પર્ધાઓ આગામી તા. 18 માર્ચ સુધી યોજાશે. તેમજ તાલુકા કક્ષાની સ્પર્ધાઓ તા. 20 માર્ચથી 26 માર્ચ દરમિયાન યોજાશે. સીધી જિલ્લા તેમજ મહાનગરપાલિકા કક્ષાએથી યોજાતી સ્પર્ધાઓનો પ્રારંભ પણ આજ દિવસથી થશે. જ્યારે તાલુકા-ઝોન કક્ષાએથી વિજેતા ખેલાડીઓની જિલ્લા સ્તરની સ્પર્ધા તા. 3 મે થી 12 મે, 2022 દરમ્યાન યોજાશે. જ્યારે રાજ્ય કક્ષાની સ્પર્ધાનો પ્રારંભ 15 મે, 2022થી કરવામાં આવશે. જિલ્લામાં ખેલમહાકુંભમાં ભાગ લેવા માટે કુલ 132828 સ્પર્ધકોએ રજીસ્ટ્રેશન કરાવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે 11માં ખેલમહાકુંભને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આઇકોનિક ઇવેન્ટ તરીકે નક્કી કરવામાં આવી છે. ખેલમહાકુંભનો મુખ્ય ઉદ્દેશ રમતગમતનું વાતાવરણનું નિર્માણ કરવું, સ્વાસ્થ્ય જાગૃતિ તેમજ પ્રતિભા શોધ છે.