રિપોર્ટર – યોગેશ પંચાલ, કવાંટ
કવાંટ નગર સહિત તાલુકામાં હોળી તેમજ રંગો ના પર્વ નું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે,રંગ અને ઉમંગનાં પર્વ આડે હવે ગણતરી ના થોડા દિવસ જ રહ્યા છે. કવાંટ તાલુકામાં હોળી નો પર્વ એટલે કે જાણે દિવાળી જેવો માહોલ જોવા મળે છે. કવાંટ તાલુકામાં હોળી નો તહેવાર આવતા જ તાલુકા વિસ્તાર ના લોકો ગમે ત્યા પેટીયું રડવા માટે ગયા હોય તેઓ પોતાના વતન માં પાછા ફરે છે.મજુરી અર્થે ગયેલા પરિવારો કવાંટ તાલુકામાં પાછા ફરતા ગામડાઓ ફરી જીવંત થવા લાગ્યા છે.ગામડાઓમાં ફરી નવચેતન આવી હોય તેમ જોવા મળે છે.એની સાથે સાથે કવાંટ ના બજારોમાં પણ ચહલપહલ જોવા મળે છે. ભંગોરીયા એ કોઇ તહેવાર કે મેળા નહીં પણ હોળીના અગાઉના સપ્તાહમાં જે સ્થળે અઠવાડિક હાટ ભરાય છે તે જ સ્થળે હોળીના તહેવાર માટેની ખરીદી માટે ભરાતો પારંપારિક વિશેષ હાટ છે, જેમાં અહીંના આદિવાસી લોકો હોળી પર્વ માટેની જીવન જરૂરિયાતની વસ્તુઓ ઉપરાંત હોળીના તહેવાર માટેની વિશેષ ખરીદી માટે ઉમટી પડતા હોય છે, સાથે આદિવાસી વાજિંત્રો વાંસળી તથા મોટલા(ખૂબ મોટા જંગી કદ ધરાવતા) ઢોલ અને કરતાલ ના તાલે નાચગાન કરીને હોળી પૂર્વે ના ભંગોરીયા હાટ ની મોજ માણતા હોય છે. ગેર ના મેળા કરતા પહેલા સોમવારે ભરાતા બજાર ને ભંગોરીયા નો હાટ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં કવાંટ તાલુકા વિસ્તાર ની પ્રજા તહેવાર ને અનુલક્ષીને ખરીદી કરે છે.કવાંટ માં સોમવારે ભરાતા હાટ માં હકડેઠઠ મેદની જોવા મળી હતી. સોમવાર હાટ તદઉપરાંત આજરોજ હોળી હોય તેમજ ભંગોરીયા નો હાટ ભરાયો હોવાને કારણે આજુબાજુના ગામોમાં માંથી લોકો ઉમટી પડયા હતા. ભંગોરીયા નો હાટ હોવાથી કવાંટ નગર ના બજારો ધમધમી ઉઠ્યા હતા,બજારોમાં કટલરી ની દુકાનો, સોના ચાંદી ની દુકાનો, કાપડ ની દુકાનો, તેમજ ગરમ મસાલા ની દુકાનમાં ભીડ જોવા મળી હતી.પંથકના લોકો દ્વારા ધૂમ ખરીદી કરતા વેપારીઓને તડાકો પડી ગયો હતો.