મહીસાગર જિલ્‍લાનું ગૌરવ ધ એસોસીએશન ફોર ટ્રેડીશનલ યુથ ગેમ્સ એન્ડ સ્પોર્ટસ દ્વારા આયોજિત ઓપન નેશનલ ચેમ્પિયનશિપ ૨૦૨૧ ની કુસ્તીમાં ૮૬ કિલોગ્રામ વર્ગમાં ગોલ્ડમેડલ મેળવતો હર્ષ પટેલ…

Mahisagar

રિપોર્ટર :દિવ્યાંગ પટેલ મહીસાગર

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા રમતગમત ક્ષેત્રે ખેલ પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા ખેલ મહાકુંભ, ખેલો ઈન્ડિયા અને ફીટ ઈન્ડિયા જેવા અનેક કાર્યક્રમો શરૂ કરવામાં આવ્‍યા છે. જેના માધ્‍યમથી દેશના અને રાજયના બાળકોમાં રહેલી શકિતઓ બહાર આવે છે. આવા કાર્યક્રમોના ખૂબ જ સારા પરિણામો પણ મળી રહ્યા છે. જેના કારણે આજે અંતરિયાળ વિસ્તારોમાંથી આવતા ખેલાડીઓ પોતાનું કૌવત ઝળકાવી રહ્યા છે. જેના ફળસ્‍વરૂપે આજે મહીસાગર જિલ્લાના હર્ષ પટેલે રાષ્ટ્રીય કક્ષાની કુસ્તી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવીને મહીસાગર જિલ્‍લા સહિત ગુજરાત રાજયનું ગૌરવ વધાર્યું છે.
મહીસાગર જિલ્‍લાના ખાનપુર તાલુકાના નરોડા ગામે રહેતા અને લુણાવાડાની પી.એન.પંડયા કોલેજમાં અભ્‍યાસ કરતા હર્ષ વિનોદભાઇ પટેલ. તેમના પિતા વિનોદભાઇ મોતીભાઇ પટેલ ખેતીકામ કરે છે. તેઓ કહે છે કે, તેમનો પુત્ર હર્ષને નાનપણથી જ કુસ્‍તીની રમતમાં રસ હતો. જેથી તે ટેલિવીઝન પર મોટા ભાગે કુસ્‍તીની રમતો જોયા કરતો હતો. તેમાં ઓલમ્‍પિક રમતના ભારતના ખેલાડી સુશીલકુમાર, યોગેશ્વરદત્ત જેવા ખેલાડીઓની રમત તે જોતો અને તેમાંથી કંઇક શીખવાની પ્રેરણા મેળવતો હતો.
હર્ષને આ સમયગાળા દરમિયાન કુસ્‍તીમાં અગાઉ વિવિધ કક્ષાએ કુસ્‍તીની સ્‍પર્ધામાં ભાગ લઇ ચૂકયા હતા. તેને ઘનશ્‍યામસિંહનું માર્ગદર્શન મળ્યું.
હર્ષએ લુણાવાડા ખાતેની પી.એન.પંડયા કોલેજમાં પ્રવેશ મેળવ્‍યો જયાં તેને તેનું સપનું સાકાર કરવાનું જાણે કે માધ્‍યમ મળ્યું હોય તેમ કોલેજના સ્‍પોર્ટસ અને એન.સી.સી. વિભાગના વડા ડૉ. ઇશ્વરભાઇ ડામોરે તાલીમબધ્‍ધ કરવાનું શરૂ કર્યું જેમાં તેમને ઘનશ્‍યામસિંહ સહિત સાથી મિત્રો દેવેન્‍દ્રસિંહ ચૌહાણ, કુલદીપસિંહ રાઠોડ, પ્રતિપાલ સોલંકી તેમજ દક્ષેશભાઇ ભોઇ સાથે સતત પ્રેકટિસ કરવાનો પ્રારંભ કરી દીધો. હર્ષને આ પ્રેકટિસ દરમિયાન તેનું વજન અંતરરાયરૂપ બનતું હતું. ત્‍યારે તેને જિમ ટ્રેનર વિશાલ સોલંકીનો સાથ મળ્યો અને વજન ઘટાડવામાં મદદ કરી જેનાથી તેનું વજન ઘટીને ૮૪ કિલો થયા બાદ તાજેતરમાં નડીઆદ ખાતે ધ એસોસિએશન ફોર ટ્રેડીશનલ યુથ ગેમ્‍સ એન્‍ડ સ્‍પોર્ટસ દ્વારા યોજાયેલી ઓપન નેશનલ ચેમ્‍પિયનશીપ-૨૦૨૧ યોજાઇ હતી. જેમાં હર્ષ પટેલે કુસ્‍તીની ૮૬ કિલોગ્રામ કેટેગરીમાં ગોલ્‍ડ મેડલ મેળવીને મહીસાગર જિલ્‍લા અને ગુજરાત રાજયનું ગૌરવ વધાર્યું છે.
હર્ષ પટેલને તેની આ સિધ્‍ધિ બદલ પરિવાર, કોલેજ પરિવાર સહિત નિયમિત રીતે સાથે પ્રેકટીસ કરતા ખેલાડીઓએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવી આગામી સમયમાં આંતરરાષ્‍ટ્રીય કક્ષાએ તેનું ઉત્‍કૃષ્‍ઠ પ્રદશર્ન કરી દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્‍છાઓ પાઠવી હતી. હર્ષ પટેલની આ સિધ્‍ધિથી તેની સાથે પ્રેકટીસ કરતાં ખેલાડીઓમાં પણ ઉત્‍સાહનો સંચાર થવા પામ્‍યો છે. અને તેમાંથી પણ તેઓ પ્રેરણા લેવા પ્રેરાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *