કાલોલ તાલુકાના વાછાવાળ ગામના સરપંચ તેમજ પ્રગતિશીલ ખેડૂતે ફુલોના મુલ્યવર્ધન થકી આવક બમણી કરી આસપાસના વિસ્તારના ખેડૂતો માટે અનુકરણીય ઉદાહરણ પ્રસ્તુત કર્યુ છે. આત્મા પ્રોજેક્ટ કચેરીના સહયોગથી ફૂલોની ખેતીમાં નવીન પ્રવાહો અપનાવી તેઓ આવક બમણી કરવામાં સફળ રહ્યા છે. નિખાલસ અને પ્રકૃતિ પ્રેમી એવા ધર્મેન્દ્રભાઇ પટેલ કાલોલ તાલુકાના વાછવાડ ગામના સરપંચ છે. તેઓ શરૂઆતમાં પરંપરાગત ખેતી કરતા હતા. ધર્મેન્દ્રભાઈએ સ્નાતક કક્ષા સુધી અભ્યાસ કરેલો છે. તેમણે ઘણી નોકરીઓમાં પ્રયાસ કર્યા પરંતુ ખેતીનો જીવ હોવાથી ક્યાંય ખેતી જેવું ફાવ્યુ નહી. તેમના પિતા વર્ષો પહેલા ગામના સરપંચ અને મોભી હતા, તે સમયથી તેઓ વૃક્ષો, ફુલ તેમજ અન્ય ખેતી કરવામાં ખુબ જ રસ ધરાવતા હતા. ગામના સરપંચ હોવાના નાતે તેઓ અન્ય ખેડુતોને સદાય સલાહ-સુચન મદદ આપતા રહેતા હતા. આત્મા પ્રોજેક્ટનો સ્ટાફ ફિલ્ડ વિઝીટમાં હતો ત્યારે ધર્મેન્દ્રભાઈને તેમની સાથે પરિચય થયો. આત્મા કચેરીની કામગીરીની વિગતો જાણતા તેમને રસ પડ્યો. ખેડૂત રસ જુથ (FIG) અંગે માહિતી મળ્યા બાદ તેઓ આત્મા ગૃપમાં જોડાયા. ત્યારબાદ ખેડુત તાલીમ કેન્દ્ર, ગોધરા ખાતે કૃષિમેળામાં જુથના અન્ય ખેડુતો સાથે ભાગ લઇને વિવિધ વિભાગના સ્ટૉલની મુલાકાત લઈ પ્રગતિશીલ ખેતી અંગે જરૂરી માહિતી મેળવી. તેમજ અન્ય યોજનાઓનો લાભ લઇને બાગાયતી પાકો અને ખેતીમાં સારી આવક મેળવવાની શરૂ કરી.
હાલ ફુલોના મુલ્યવર્ધન કરી તેઓ પોતાની બે થી ત્રણ એકર જમીનમાંથી ગુલાબ તેમજ હજારી ગલ, શેવતી, ગલગોટા, લીલી , જરબેરા જેવા વિવિધ ફુલોની ઉગાડે છે. તેમાંથી તેમણે મંડપ ડેકોરેશન,ગાડી ડેકોરેશન, ગુલદસ્તા, ફુલોના હાર તેમજ માંગણી અનુસારની ફૂલોની બનાવટો બનાવવાનું શરૂ કરી વેચાણની શરૂઆત કરી. તેમાંથી વધારાની આવક શરૂ થઇ. આ ઉપરાંત ધર્મેન્દ્રભાઈ ધાર્મિક અને દુખદ પ્રસંગોને અનુરૂપ ફુલોની બનાવટો વિના મુલ્યે આપીને સમાજ સેવા પણ કરે છે. તેઓએ ઘર આંગણે જ તજ,મરી, સોપારી અને સીંદુરીયો, નાળીયેરી જેવા વૃક્ષો ઉછેરીને ઇકો સિસ્ટમ સંતુલિત રહે તેવા પ્રયત્નો કરી રહ્યા છે. ધર્મેન્દ્રભાઈ આ રીતે ફુલોની આવક અને તેની બનાવટોમાંથી દિવાળી અને નવરાત્રિ તેમજ લગ્નસરાની સિઝનમાં વેચાણ કરી વર્ષે દહાડે ત્રણથી ચાર લાખની આવક આરામથી મેળવી લે છે. ધર્મેન્દ્રભાઈ આત્મા પ્રોજેક્ટ કચેરી દ્વારા ચાલતી પ્રવૃતિઓની પ્રશંસા કરી અન્ય ખેડૂતોને પણ સંકળાવવા તેમજ કચેરી દ્વારા ચાલતી વિવિધ પ્રવૃતિઓનો લાભ લેવા સલાહ આપે છે. ગામ અને આસપાસના ઉત્સાહી ખેડુતો પણ તેમના માર્ગદર્શન હેઠળ ફુલોની ખેતી કરીને નવી આવક ઉભી રહી રહ્યા છે.