નર્મદા :PM મોદીના કાર્યક્રમ દરમિયાન કેવડીયામાં બહારની વ્યક્તિ માટે પ્રવેશ નિષેધ: ગ્રામજનોનો નિર્ણય

Narmada
બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અગામી 31મી ઓક્ટોબર 2020 ના રોજ PM મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થવાની છે, વહિવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. પણ જેમ જેમ મોદીના કાર્યક્રમના દિવસો નજીક આવતા જાય છે તેમ તેમ તંત્રના માથે નવી નવી આફતો ઉભી થતી જાય છે. અગાઉ 30-31 ઓક્ટોબરે કેવડીયા બચાવો આંદોલન સમિતિએ PM મોદીના કાર્યક્રમના વિરોધમાં કેવડીયા બંધનું એલાન આપ્યું હતું જેથી તંત્રની ઊંઘ હરામ થઈ ગઈ હતી, જો કે કેવડિયા બચાવો આંદોલન સમિતિના મુખ્ય આગેવાન ડો.પ્રફુલ્લ વસાવા પર 3 પોલીસ ફરિયાદ નોંધાતા તેઓ હાલ પોલીસ પકડથી દૂર છે, અગાઉ મુસાફિરને તડીપાર કરાયા છે. જેથી તંત્રને એમ લાગતું હતું કે હવે PM મોદીના કાર્યક્રમમાં કોઈ જ જાતનો વિરોધ નહિ થાય. પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના કોઠી, ભુમલિયા, વાગડીયા, કેવડીયા ગામ, લીમડી, નવાગામ, ગોરા, વસંતપરા, પીપરિયા, મોટા પીપરિયા, ઈન્દ્રવર્ણા અને ગભણા ગામના ગ્રામજનોએ એક ગ્રામસભા દ્વારા PM મોદીના કાર્યક્રમનો વિરોધ કરવાનો સયુંકત નિર્ણય કર્યો છે, આ નિર્ણયથી તંત્રના માથે નવી આફત ઉભી થઈ છે. આ તમામ ગામના લોકોએ દેશના રાષ્ટ્રપતિને એક પત્ર પણ લખ્યો છે, જેમાં જણાવ્યું છે કે હાલ કોરોનાનું સંક્રમણ ચાલી રહ્યું છે. PM મોદીના કાર્યક્રમને લઈને અમારા વિસ્તારમાં મોટી સંખ્યામાં CRPF, SRP સહિતની ફોર્સ આવી છે એમાંથી 50થી વધુ લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. જેથી અમારા વિસ્તારના વૃધ્ધો અને બાળકોના જીવને જોખમ છે. PM મોદીની સુરક્ષાને લઈને અમારા વિસ્તારમાં હજારો પોલીસ જવાનો આવી જશે જેથી કોરોના સંક્રમણ ફેલાવવાની ભીતિને લીધે અમેં 27-28 ઓક્ટોબરે સેલ્ફ કોરોનટાઈન રહીશું તથા હાલની કોરોનાની સ્થિતિ જોતા 30-31 ઓક્ટોબરે કેવડિયા વિસ્તારના તમામ બજારો બંધ રહેશે, આવશ્યક સેવાઓને બાદ કરતાં કોઈ પણ વ્યક્તિએ ઘરની બહાર જવું નહિ અને સરકારી કે અર્ધ સરકારી વ્યક્તિએ ગ્રામસભાની પૂર્વ મંજૂરી વિના અમારા વિસ્તારમાં પ્રવેશ કરવો નહિ. ગ્રામજનોના આ ઠરાવનો કોઈ પણ ઉલ્લંઘન કરશે તો તેમની ઉપર અમે કાયદેસરની કાર્યવાહી કરીશું એવો અમે નિર્ણય કર્યો છે. અગાઉ આ જ 14 ગામના આદિવાસીઓએ સરકાર સમક્ષ પોતાની વિવિધ માંગો મૂકી હતી. જો માંગો પૂર્ણ ન થાય તો આંદોલન કરવાની સાથે 30-31 ઓક્ટોબરે કેવડિયા બંધનું એલાન આપ્યું હતું, પણ પોલીસની એ વિસ્તારના લોકો પર વોચ હતી, કેવડીયા બંધ દરમિયાન પોલીસ એ વિસ્તારના લોકોને ડિટેન કરે અને બજારો પાછા ખુલ્લા કરાવે એવી સ્થિતિ પણ પેદા થવાની સંભાવનાઓ હતી. પણ ગ્રામજનોએ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી કોરોના સંક્રમણ ફેલાવાવના બહાને બંધ રાખવાનો નિર્ણય એ PM મોદીના કાર્યક્રમના વિરોધનો જ એક ભાગ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો PM મોદીના કાર્યક્રમ દરમિયાન કેવડીયાના બજારો બંધ રહે તો વહીવટી તંત્રની વિરુદ્ધ ઉપર ખોટો મેસેજ જાય, તો હવે જોવું એ રહ્યું કે તંત્ર 30-31 ઓક્ટોબરે કેવડીયાના બજારો ખુલ્લા રખાવવામાં સફળ થાય છે કે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *