રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા
મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે વડોદરા શહેરની સર સયાજીરાવ જનરલ હોસ્પિટલ કે જ્યાં વડોદરા જ નહીં આસપાસ તથા અન્ય રાજ્યોના દર્દીઓ કે જેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર નથી કરાવી શકતા અને અન્ય ગંભીર તથા પોલીસ કેસવાળા દર્દીઓ દરરોજના મોટી સંખ્યામાં અહીં સારવાર અર્થે આવતા હોય છે. અહીં વારંવાર હોસ્પિટલની બેદરકારીઓને કારણે સયાજી હોસ્પિટલ ચર્ચામાં રહે છે. વિતેલા ચોવીસ કલાકમાં સયાજી હોસ્પિટલના તંત્રની વધુ એક ગંભીર બેદરકારી સામે આવતા સૌ ચોંકી ઉઠ્યા છે જેમાં હાલમાં કોરોના વધતાં કેસો સમયે એક કોરોના પોઝિટિવ દર્દીનો મૃતદેહ કલાકો સુધી જાહેરમાં ખુલ્લેઆમ પડેલો જોવા મળ્યો હતો. જે જગ્યાએ કોરોનાની સારવાર કરવામાં આવે છે ત્યાં જ કોરોનાના સંક્રમણનુ હોટસ્પોટ સર્જાશે તેવું જણાઇ રહ્યું છે. બીજી તરફ ન્યૂરો સર્જીકલ બિલ્ડિંગમાં અસુવિધાઓને કારણે સારવાર હેઠળના દર્દીઓ પોતાના ઘરેથી ટેબલફેન લાવવા મજબૂર બન્યા છે. પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના સીતેર વર્ષીય વૃધ્ધ કોરોના પોઝિટિવ જણાતા તેઓને શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતાં જ્યાંથી વધુ સારવાર માટે શહેરની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે દર્દીની તબિયત વધુ લથડતાં સયાજી હોસ્પિટલ પહોંચતા પહેલાં જ તે વૃધ્ધનુ મૃત્યુ થયું હતું. સરકારી ગાઇડલાઇન્સ અનુસાર કોરોના પોઝિટિવ મૃતદેહની અંતિમવિધિ વહેલી તકે કરવી જોઈએ જેથી કોરોનાના સંક્રમણથી અન્ય લોકોને બચાવી શકાય પરંતુ સયાજી હોસ્પિટલના જાડી ચામડીના તંત્ર દ્વારા કોરોના પોઝિટિવ વૃધ્ધના મૃતદેહને કલાકો સુધી જાહેરમાં ખુલ્લેઆમ પડી રહેવા દીધો હતો ત્યારે તે જ જગ્યાએ કોરોના દર્દીઓ સારવાર અર્થે આવતા હોઇ જો ત્યાં જ આવી નિષ્કાળજીને લીધે કોરોના સંક્રમણ ફેલાવવાનું હોટસ્પોટ બનશે તો અન્ય દર્દીઓ સારવાર માટે જશે ક્યાં? ત્યારે આજરોજ સામાજિક કાર્યકર અતુલભાઈ ગામેચીએ તંત્ર સામે સવાલો ઉઠાવતા હોસ્પિટલના ડીન દોડી આવ્યા હતા.