રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
રાજપીપલા સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણમાં યોગ્ય પોષણના મહત્વ પર ભાર મુકવા તથા લોકોને કુપોષણ મુક્ત ભારત માટે ફાળો આપવાના હેતુથી સપ્ટેમ્બર માહ ને દર વર્ષે પોષણ માહ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આજે જિલ્લા પંચાયતના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. કે.પી. પટેલ, જિલ્લા આઇસીડીએસ વિભાગના પ્રોગ્રામ ઓફીસર ક્રિષ્નાકુમારી પટેલ, આઇસીડીએસ, આરોગ્ય વિભાગ સહિત સંબધિત અધિકારીઓ -કર્મચારીઓએ દેશમાંથી કુપોષણને દૂર કરી પોષણયુક્ત રાષ્ટ્રના નિર્માણ માટે સામુહિક શપથ લીઘી હતી તેની સાથોસાથ જિલ્લાની ૯૫૨ આંગણવાડી પર આંગણવાડી બહેનો, કાર્યકર બહેનો દ્વારા પણ શપથ લેવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીના અધ્યક્ષપદે તાજેતરમાં પોષણ માહ ઉજવણી અંતર્ગત રાજપીપલા કલેક્ટરાલય ખાતે યોજાયેલી બેઠકને સંબોધતા કોઠારીએ પોષણના ૧ થી ૫ સુત્રો જેમાં બાળકના પ્રથમ ૧૦૦૦ દિવસ, એનેમિયા, ઝાડા નિયંત્રણ, હેન્ડવોશ અને સૅનેટાઇઝર અને પોષ્ટિક આહારનો સમાવેશ થાય છે. દરેક આંગણવાડીમાં આ પાંચ બાબતોને ધ્યાને રાખીને કામગીરી કરવા સંબધિત અધિકારીઓને સુચના અને માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. વધુમાં પોષણને લગતા લીફલેટ, પેમ્પલેટ તથા સોશ્યિલ મીડિયા, ફોન કોલ્સ દ્રારા પોષણ અંગે વધુ માં વધુ લોકજાગ્રુતિ ફેલાય તે અંગે પ્રયત્નો કરવા પર ભાર મુક્યો હતો.
ઉક્ત બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડૉ.જીન્સી વિલીયમ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એલ.એમ.ડિંડોર, જિલ્લા આઇસીડીએસ વિભાગના પ્રોગ્રામ ઓફીસર ક્રિષ્નાકુમારી પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વિપુલ ગામીત સહીત સંબધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.