રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ
ડભોઇમાં દર્ભાવતિ નગરીમાં નગરપાલિકાના સત્તાધીશો અને જવાબદાર અધિકારીઓની નિષ્ફળતા અને અનગઢ વહીવટના કારણે નગરના વિવિધ વિસ્તારો અને મુખ્ય બજારોમાં રખડતા ઢોર અડીંગો જમાવી બેસી રહેતા હોવાથી પ્રજાજનોને અહસ્ય મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવ્યો છે .સરકારી ગ્રાન્ટના લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ ‘ઢોર ડબ્બા ‘ ખાલીખમ રહે છે .રખડતા ઢોર નગરમાં અડીંગો જમાવી બેસી રહે છે. તેને પકડવાની કામગીરી સત્તાધીશો દ્વારા કરવામાં આવતી નથી .હાલમાં તહેવારોની મોસમ માં લોકોને ગંદકી ભર્યા માહોલમાં થી પસાર થવાનો વારો આવ્યો છે ઉભરાતી કચરાપેટીઓ નો કચરો આવા ઢોર ખાવા માટે વેરવિખેર કરી ગંદકીમાં અસહ્ય વધારો કરે છે અને નગર ની શેરીઓ અને મુખ્ય માર્ગોને છાણ-મળમૂત્ર દ્વારા વધુ ગંદકી યુક્ત અને ત્રાસદાયક બનાવી રહ્યા છે. ત્યારે જવાબદાર સત્તાધીશો નગરજનોને આવી વિકરાળ સમસ્યા માંથી છુટકારો અપાવવા રખડતા ઢોરને પકડવાની કામગીરી આરંભે અને ઢોર માલિકો સામે દંડનીય કાર્યવાહી કરે તેવી પ્રચંડ માંગ ઉઠી રહી છે. ક્યારેક તો નગરના મુખ્ય બજારમાં વેપારીઓને વેપાર કરવાની જગ્યાએ આવા ઢોર હટાવવા માટે જાતે ” ગોવાળીયા ” બનવું પડે તેવો માહોલ સર્જાય છે અને દૂર બેઠાબેઠા ઢોર માલિકો આવા વેપારીઓની મજાક ઉડાવતા જોવા મળે છે. રસ્તે પસાર થતાં રાહદારીઓ પણ આવા રખડતા ઢોરના કારણે અકસ્માતનો ભોગ બને છે તો ડભોઇ નગરી ના “ઢોર નગરી” ના હાલના માહોલમાંથી સુંદર રળીયામણી ” દર્ભાવતી નગરી ” બને તે માટે નગરજનોને કયો ‘નાથ’ તેમની મદદે આવે છે તેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે.