રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા
શ્રી બાજોઠીયા મહાદેવ ને રાજ્ય સરકાર પર્યટન સ્થળ તરીકે જાહેર કરે તો ગુજરાતનો મોટું પિકનિક સ્થળ બની શકે તેમ છે
પાલનપુરના વેપારીઓ, દાતાઓ, વિકાસ સમિતિના સભ્યો તથા ટ્રસ્ટીઓ દ્વારા પૂર્ણ જીણોધ્ધાર કરવામાં આવ્યો
ઉત્તર ગુજરાતમાં નામના ધરાવતો અને શિવભક્તોનો પ્રિય એવું ચમત્કારિક સ્વયંભૂ શ્રી બાજોઠીયા મહાદેવનું મંદિર પાલનપુરથી ૨૦ કિલોમીટર ના અંતરે પ્રકૃતિનાં ખોળે અને અરવલ્લીની ગિરિમાળાના પર્વતો બાજુમાં હોવાથી ઉત્તર ગુજરાતમાંથી દૂર દૂરથી શિવ ભક્તો અહીંયા ખાસ કરીને શ્રાવણ માસમાં દર્શન કરીને પોતાની ધન્યતા અનુભવે છે અને પોતાની મનોકામનાઓ પૂર્ણ કરે છે.
આ મંદિરનો ઈતિહાસ પૌરાણિક તથા ઐતિહાસિક મહત્વ પણ જોડાયેલું છે.લોકવાયકા તથા દંત કથા મુજબ પાંડવો જ્યારે અજ્ઞાતવાસ ભોગવતા હતા ત્યારે આ પવિત્ર ધામમાં પાંડવો આવ્યા ત્યારે ભગવાન શિવની બાજોઠ પર પૂજા કરી હોવાથી આ પવિત્ર સ્થળનું નામ શ્રી બાજોઠીયા મહાદેવ પાડવામાં આવ્યું હતું. કહેવામાં આવે છે કે ભીમે અહિયાં વિશેષ પૂજા-અર્ચના પણ કરેલી છે.ત્યારથી અહીંયા જે શિવભક્તો શ્રાવણ માસમાં ચમત્કારી સ્વયંભૂ શિવને બીલીપત્ર ચડાવવા તથા પૂજા-અર્ચના કરે છે તેમની મનોકામનાઓ ચોક્કસ થી પૂર્ણ થાય છે. આ સ્થળની વિશેષ ખાસિયત એ છે કે બનાસ નદીના પટ પર આવેલ હોવાથી શ્રાવણ માસમાં શિવભક્તો બનાસ નદીમાં સ્નાન કરીને હવન ,યજ્ઞ વગેરે પૂજાપાઠ અહીંયા કરે છે.
અહીંયા ખાસ કરીને ઉલ્લેખ કરવામાં આવે તો થોડા સમય પહેલા મંદિરના વિકાસ માટે પાલનપુરના વેપારીઓ, ટ્રસ્ટીઓ,વિકાસ સમિતિના સભ્યો અને દાતાઓના સહયોગથી ચમત્કારિક સ્વયંભૂ શ્રી બાજોઠીયા મહાદેવના મંદિરને દિવસ-રાત એક કરીને ટૂંક જ સમયમાં પૂર્ણ જીણોધ્ધાર ની સાથે સાથે મંદિર પરિસરને સુંદર રીતે ડેવલોપીંગ કરવામાં આવ્યું .હાલમાં વિકાસની વાત કરવામાં આવે તો હાઈટ પર બાળકોને રમવાના સાધનો સાથે નવું ચિલ્ડ્રન પાર્ક બનાવવામાં આવ્યું તથા પ્રકૃતિનાં ખોળે વચ્ચે હાઇટ ઉપર સુંદર બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવે છે.પૂજા, હવન તથા પિકનિક કરવા આવતા લોકો માટે નવું રસોડું તથા હોલ પણ બનાવવામાં આવ્યો છે .આવનારા દિવસોમાં ભગવાન શિવની ૨૦ ફૂટ મોટી શિવમૂર્તિ તથા યજ્ઞ કુટીર બનાવવાનું કામગીરી હાથ ધરેલ છે.
રાજ્ય સરકાર આ પવિત્ર ધામને પર્યટન સ્થળ તરીકે જાહેર કરે તો આવનારા વર્ષોમાં ટૂરિસ્ટો માટે ગુજરાતમાં મોટું પિકનિક સ્થળ અને શિવભક્તો માટે મોટું શિવધામ બની શકે તેમ છે. હાલમાં વર્ષે દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરીને પોતાની મનોકામનાઓ પૂર્ણ કરે છે.