રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
લોકો જાહેરનામાનો ભંગ કરી રહ્યા હોવાથી સંક્રમણ વધવાનું જોખમ
સી.આર.ડી.એ કચેરી બંધ કરાતા નરેગા સહિતના કામો અટવાઇ ગયા
નર્મદા જિલ્લામાં એક પછી એક કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે જિલ્લા પંચાયત ભવનના સી.આર.ડી.એ વિભાગના ચિટનીશ રાજદીપ રાણા કોરોના પોઝિટિવ આવતા સી.આર.ડી.એ વિભાગ બંધ કરાયો છે.નર્મદા જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના અધિકારી સહિત ૨૭ કર્મચારીઓ હોમ કવોરંટાઇન કરાયા છે.કચેરી બંધ કરાતા કામગીરી ઠપ્પ થતા નરેગા સહિતના કામો અટવાયા છે. જિલ્લા વહીવટીતંત્ર સ્થિતિ સુધારવા ઘણો પ્રયત્ન કરી રહ્યું છે પણ એની સામે જિલ્લાની પ્રજા સરકારના જાહેરનામાને નજર અંદાજ કરી રહ્યું છે.એ જ કારણે નર્મદા જિલ્લામાં કોરોનાના લોકલ સંક્રમણ વધી રહ્યું છે જે ખરેખર આવનારા સમય માટે ખતરાની ઘંટી સમાન છે.લોકલ સંક્રમણને લીધે રાજપીપળામાં કોરોનાનો રાફડો ફાટ્યો છે.જો લોકો નહીં સુધરે તો નર્મદા જિલ્લામાં સુરત વાળી થતા વાર નહિ લાગે.
નર્મદામાં અત્યાર સુધો ૧૨૦ કોરોનાના કેસો સામે આવ્યા છે જેમાંથી ૯૬ દર્દીઓ સજા થતા રજા અપાઈ છે, હાલની સ્થિતિમાં ૨૦ દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે.૧૫મી જુલાઈએ બીજા 6 કેસ સામે આવતા લોકોમાં ફફડાટ મચ્યો છે.રાજપીપળા શહેરમાં એક જ પરિવારના 3 સભ્યો કોરોનામાં સપડાયા છે.હાલની સ્થિતિએ અંકિતભાઈ રાકેશભાઈ દેસાઈ (૩૧ વર્ષ રહે.મુકેશ સ્ટોર, ભાટવાડા, રાજપીપળા), ધ્રુવકુમાર મનહરભાઈ માળી (૩૬ વર્ષ રહે.મોટા માલીવાડ, રાજપીપળા), મોહિન મહેબુબ ભાઈ શેખ (૩૦ વર્ષ રહે.ખાટકીવાડ, નવાફળીયુ, રાજપીપળા), રમેશભાઈ ગોરધનભાઈ પટેલ (૬૦ વર્ષ રહે.મંદિર ફળિયુ, સિસોદ્રા), દિલબરબાનુ મયુદ્દીન પઠાણ (૫૨ વર્ષ રહે.સિંધીવાડ, લાલ ટાવર, રાજપીપળા), અનસોયાબેન અનિલભાઈ સોલંકી (૪૮ વર્ષ રહે.અરબ ટેકરા, રાજપીપળા) ને સારવાર માટે ખસેડાયા છે.
નર્મદા જિલ્લા કલેકટર મનોજ કોઠારીએ જિલ્લામાં કોરોનાના વધતા કેસો મામલે જણાવ્યું કે જનતાએ સરકારના જાહેરનામનો ચુસ્ત પણે પાલન કરવું પડશે.બીજી બાજુ ઘરની બહાર નીકળતી વખતે મોં અને નાકને માસ્કથી અવશ્ય ઢાંકીએ, તમામ જગ્યાએ 6 ફુટના અંતરનું પાલન કરીએ, વારંવાર હાથને સેનીટાઇઝરથી કે સાબુથી સ્વચ્છ રાખીએ તેમજ આવશ્યક કારણો સિવાય બિનજરૂરી બહાર ન નિકળીએ તેની કાળજી રાખવી પડશે.