અમરેલી: રૂ.૧૯ કરોડના ખર્ચે નવનિર્મિત અમરેલી જિલ્લા પંચાયતનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઈ-લોકાર્પણ.

Amreli Latest
રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા
બ્યુરોચીફ: ભૂપત સાંખટ,અમરેલી

પંચાયતના રાજ્ય મંત્રી જયદ્રથસિંહજી પરમાર,અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશ અને વિકાસ કમિશ્નરની પ્રેરક ઉપસ્થિતિ

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે અને પંચાયતના રાજ્ય કક્ષાના મંત્રી જયદ્રથસિંહજી પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં આજે અમરેલી જિલ્લા પંચાયતનું ઈ-લોકાર્પણ સંપન્ન થયું હતું.

આ તકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાતના રાજ્યના છેવાડાના માનવી સુધી સરકારની દરેક યોજના પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે. ગામડામાં ગામડાની સરકાર અને જિલ્લા પંચાયત એટલે ગામનું સચિવાલય કે જ્યાં સરકારની તમામ યોજનાઓનું અમલીકરણ થાય છે. આમ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનું ત્રિસ્તરીય માળખું છેવાડાના માનવી સુધી બધી સુખ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં મદદરૂપ થાય છે. શિક્ષણ, સિંચાઈ, રોડ રસ્તા, પાણી, આરોગ્ય, ખેતીવાડી વગેરે જેવી સેવાઓ માટે પંચાયતી રાજ દ્વારા ઉત્તમ કાર્ય થઇ રહ્યું છે. ગુજરાતમાં પંચાયતી રાજ અને સહકારી સંસ્થાઓમાં નાગરિકોને પંચાયતો દ્વારા ગામડાઓનો સર્વાંગી વિકાસ થાય એ દિશામાં રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.

વધુમાં એમણે ઉમેર્યું હતું કે, આજે પંચાયતોના નવા મકાનોનું નવું વાતાવરણ અધિકારીઓ અને કર્મચારીઓમાં નવી ઉર્જા બની વધુ માં વધુ લોકસેવાના કર્યો કરવા પ્રેરણા આપશે. મુખ્યમંત્રીએ નવા ભવનોનો સદુપયોગ થાય અને પંચાયતમાં આવતા અરજદારો શાંતિ અને વિશ્વાસથી પોતાનું કાર્ય સુપેરે પર પડશે એવી આશા લઈને સ્મિત સાથે જાય એવી શુભકામનાઓ પાઠવી હતી.
ડો. જીવરાજ મહેતાને યાદ કરતા એમને જણાવ્યું હતું કે અમારું સદભાગ્ય છે કે ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતા અમરેલીના હતા. અને એમણે પોતાનું જીવન લોકસમર્પિત કર્યું હતું. આજે એમના જ શહેરમાં જિલ્લા પંચાયતના નવા મકાનનું લોકાર્પણ થઇ રહ્યંસ છે એ અમરેલી જિલ્લાના સર્વાંગી વિકાસમાં તેમજ જિલ્લાના નાગરિકોની સુખાકારી માટે ખુબ જ ફળદાયી નીવડશે એવી શુભેછાઓ પણ પાઠવી હતી.

વધુમાં મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાત રાજ્ય હંમેશા આપત્તિને અવસરમાં પલટાવવા સક્ષમ છે. કોરોના મહામારી વચ્ચે પણ આપણી રોજીંદી પ્રવૃતિઓ ધમધમતી રાખવાની છે. રાજ્યમાં મોટાભાગના વિકાસના કામો પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવ્યા છે. રાજ્ય સરકારની નેમ રહી છે કે, વિકાસના કામો સમયમર્યાદામાં અને ગુણવત્તાયુક્ત થાય, જેની પ્રતિતી આજે થઈ રહી છે. કોરોનાને લડત આપી આપણી વિકાસની યાત્રા ચાલુ રાખી છે તેમ જણાવી રાજ્યની જનતાને સુંદર સુવિધા વાળા પંચાયતના સુવિધાસભર ભવનો ખુલ્લા મુકવામાં આવ્યા છે.

પંચાયતના રાજ્ય મંત્રી જયદ્રથસિંહજી પરમારે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે કારણ કે એમણે સમગ્ર રાજ્યની ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોના નવા મકાનોના નિર્માણ માટે ચિંતા કરી છે. પંચાયતની મહેસુલ, શિક્ષણ, આરોગ્ય, પશુપાલન, સહકાર, સિંચાઈ, બાંધકામ, સમાજ કલ્યાણ જેવી વિવિધ શાખાની યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા પંચાયતના આ નવા મકાનો ખુબ જ મદદરૂપ નીવડશે. પંચાયતના અધિકારીઓ-પદાધિકારીઓ, કર્મચારીઓને નવું વાતાવરણ મળી રહે તેમજ નાગરિકો માટે આ નવા ભવનો પ્રગતિ લાવે એવી શુભેચ્છાઓ પાઠવી હતી.

આ તકે પંચાયત વિભાગના અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશ અને વિકાસ કમિશ્નર એમ. જે. ઠક્કરે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ પ્રસંગે સાંસદ નારણભાઇ કાછડીયા, ધારાસભ્ય સર્વ વીરજીભાઈ ઠુંમર, પ્રતાપભાઈ દુધાત, પૂર્વ ધારાસભ્ય જે. વી. કાકડિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ રવજીભાઈ વાઘેલા, જિલ્લા કલેકટર આયુષ ઓક, જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમાર, અમરેલીના અગ્રણી સર્વશ્રી હિરેનભાઈ હિરપરા, કૌશિકભાઈ વેકરીયા અને કમલેશભાઈ કાનાણી સહિતના જિલ્લા પંચાયતના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયત અમરેલીનું જુનુ મકાન વર્ષ ૧૯૬૦ માં જિલ્લા લોકલ બોર્ડના સમયનું હોવાથી ફરી બનાવવું અત્યંત જરૂરી હતું. જેથી પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ તરફથી રૂ. ૧૮૯૭.૦૦/- લાખની વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. જિલ્લા પંચાયત ભવનના નિર્માણનું કામ ૩૦/૪/૨૦૧૯ ના રોજ પૂર્ણ કરવામાં આવ્યુ હતું. નવા મકાન બનાવવા માટે રૂ. ૧૯૦૨.૦૦/- લાખનો ખર્ચ થયો હતો. નવા મકાન ગ્રાઉન્ડ ફલોર તથા અન્ય બે માળનું બનાવવામાં આવ્યું છે. જેનો પ્લીન્થ એરીયા ૩૮૦૦ ચો.મી. અને બધા માળનું કુલ ક્ષેત્રફળ ૧૧,૫૪૦ ચો.મી. થાય છે. આ નવા મકાનમાં જિલ્લા પંચાયતની તમામ ૧૮ શાખાઓ માટે તથા જિલ્લા પંચાયતના વિવિધ શાખાઓના ચેરમેન તથા અધિકારીશ્રીઓની બેઠક વ્યવસ્થા તથા જન સેવા કેન્દ્ર, સભાખંડ, વિડીયો કોન્ફરન્સ રૂમ તથા ગ્રાઉન્ડ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *