ભાવનગર સરકારી કુમાર છાત્રાલય મહુવાનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઇ-લોકાર્પણ કરાયું.

Bhavnagar Latest
રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર

ભાવનગર જિલ્લાના મહુવા ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે રૂ.૩૫૬.૧૦ લાખના ખર્ચે નિર્માણ પામેલ અત્યાધુનિક સરકારી કુમાર છાત્રાલય(વિકસતી જાતિ) નું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સમાજમાં વંચિત, શોષિત, પીડિત તથા ગરીબ સૌ કોઈને પૂરતો સામાજિક ન્યાય તથા સામાજિક સમરસતા મળે તે રાજય સરકારની નેમ છે.સામાજિક તથા માનવીય ઉત્થાન માટે શિક્ષણ ખૂબ મહત્વનું છે.જો શિક્ષણ હશે તો સામાજિક સમરસતા સાધી દરેકનો વિકાસ કરી શકાશે.અને તેથી જ નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી લઈ આજસુધી સરકારે “સબ સમાજ કો સાથ મેં લેકર આગે બઢતે જાના હે” ના મંત્રને અનુસરી રાજ્યને વિકાસના પથ પર આગળ વધાર્યું છે.

મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે છેવાડાનો માનવી પણ શિક્ષણ મેળવી પોતાનો વિકાસ કરી શકે એ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને તેથી જ કુમાર છાત્રાલયો, આદર્શ નિવાસી શાળાઓ, શિષ્યવૃત્તિ, વિદેશ અભ્યાસ વગેરે જેવી અનેક શૈક્ષણિક સુવિધાઓ જે લોકો સામાજિક રીતે પાછળ રહી ગયા છે તેમને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા સરકારે ઉભી કરી છે.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે કોરોના મહામારી સામે આખું વિશ્વ સંઘર્ષ કરી રહ્યું છે પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આફતને અવસરમાં બદલવાના મંત્રને અનુસરી ગુજરાત કોરોનાને હરાવવામાં ચોક્કસ સફળ થશે.આજે ગુજરાતમાં ઉચ્ચ કક્ષાની આરોગ્ય સારવારના કારણે કોરોના રિકવરી રેટ વધ્યો છે અને મૃત્યુ દર ઘટ્યો છે.સૌ કોરોના અંગે જાગૃત બનીએ તો રાજ્યનો વિકાસ હંમેશા વધતો જશે અને ગુજરાત ક્યારેય પાછું નહીં પડે.

મહુવા ખાતે ૩૫૬.૧૦ લાખના ખર્ચે નિર્મિત આ સરકારી કુમાર છાત્રાલયમાં ગ્રાઉન્ડ ફ્લોર પર લાયબ્રેરી, રીડીંગ રૂમ, એન્ટ્રી, ડીસેબલ એન્ટ્રી, ટોયલેટ, બાથરૂમ, ડીસેબલ ટોઈલેટ-બાથરૂમ, વોર્ડન ક્વાર્ટર, ઓફીસ, કોમ્પ્યુટર રૂમ, વીઝીટર રૂમ, કિચન, કિચન સ્ટોર, ડાયનિંગ હૉલ, ડીશ વોશ એરીયા, વોટર એરીયા, પેસેજ એરીયા તેમજ પ્રથમ માળે ૧૬ છાત્ર રૂમ, ૬ છાત્ર ટોઈલેટ, ૬ છાત્ર બાથરૂમ, રીડીંગ પેસેજ, વોટર કુલર પેસેજ, અને બીજા માળે પણ ૧૬ છાત્ર રૂમ, ૬ છાત્ર ટોઈલેટ, ૬ છાત્ર બાથરૂમ, રીડીંગ પેસેજ, વોટર કુલર પેસેજની આધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.કેમ્પસમાં બોર તથા સંપની સુવિધા પણ ઉપલબ્ધ કરાઈ છે.

આ પ્રસંગે સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા, મહુવા નગરપાલિકા પ્રમુખ, મહુવા તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા, પ્રાંત અધિકારી મહુવા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર, જિલ્લા નાયબ નિયામક વિકસતી જાતિ વસાણી, મહુવા તાલુકા વિકાસ અધિકારી સહિતના પદાધિકારીઓ,અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *