સમગ્ર વિશ્વમાં ચાલી રહેલી કોરોના મહામારી વચ્ચે પણ અનેક નામી અનામી સેવાભાવી સંસ્થાઓ તેમજ સેવાભાવી લોકો દ્વારા સમયાંતરે સેવાની સરવાણી વહેતી રહે છે. સંસ્કારી નગરી વડોદરાના પૂર્વ વિસ્તારમાં કાર્યરત સેવાભાવી સંસ્થા માનવતા કેમ્પેઇનના ચાર વર્ષ પૂર્ણ થતા મહિલાઓને સાડીઓ નું વિતરણ કરાયું હતું. ટ્રસ્ટના સ્થાપક પ્રેસિડેન્ટ મમતા શાહે અખબારી યાદી તથા મીડિયા સમક્ષ માહિતી આપતા જણાવ્યું હતું કે માનવતા કેમ્પેઇન ચેરીટેબલ ટ્રસ્ટે જોતજોતામાં જનસેવાની યાત્રામાં ચાર વર્ષ પૂર્ણ કરી પાંચમા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. તે નિમિત્તે છેલ્લા એક અઠવાડિયાથી સેવા નિષ્ઠા સાથે દરરોજ પૂર્વ વિસ્તારના વિવિધ સ્લમ વિસ્તારોમાં જરૂરતમંદ ૧૨૦ થી પણ વધુ મહિલાઓને નવી સાડીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે આ સેવા સપ્તાહ દરમ્યાન ૯૦૦ ઉપરાંત જરૂરતમંદ બાળકોને તદ્દન નવા રેડીમેડ ડ્રેસીસનું તેમજ ૧૦૦ થી પણ વધારે અભ્યાસ કરતા બાળકોને અભ્યાસ લક્ષી ચીજ વસ્તુઓ નું વિતરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પ્રથમ લોકડાઉનની શરૂઆતથી જ સંસ્થા દ્વારા અવિરત ચાલતી સેવાના ભાગરૂપે રોજબરોજ રાશનકીટનું વિતરણ હજુ પણ ચાલી રહ્યું છે. સ્વયં સંસ્થાના સેવાભાવી સદસ્યો ઉપરાંત સમાજના અન્ય સેવાભાવીઓના આર્થિક યોગદાનનો સહયોગ પણ મળી રહ્યો છે જેઓના અમે ખૂબ આભારી છીએ અને આગામી સમયમાં પણ આવા સેવાકાર્યો અવિરતપણે કાર્યરત રહેશે એ અંગે અમારૂં ટ્રસ્ટ કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.