રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
અમરેલી જિલ્લામાં હજુ ગઈકાલે સાંજના સમયે પડેલા ભારે વરસાદનાં કારણે વિજળી પડવાથી ૨ યુવતિ તથા ૧ કિશોરનુ મોત નિપજ્યું હતુ જ્યારે એક મહિલા પાણીમાં તણાય ગયાની ઘટનાની હજુ શાહી પણ સુકાય નથી ત્યાં આજે સવારે અમરેલી નજીક આવેલ રંગપુર ગામ જવાના રસ્તે રમતા ૩ બાળકો નદીમાં પડી જતા ૨ બાળકોના પાણીમાં ડુબી જવાથી મોત નિપજ્યા હતા જ્યારે એક બાળકનો બચાવ થયો હતો. ઘટનાની જાણ નજીકનાં લોકોને થતા ફાયર ફાયટર તથા ૧૦૮ મદદે દોડી ગયા હતા.
આ બનાવમાં સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ અમરેલીમાં રહેતા ત્રણ મીત્રો અમરેલીનાં જેસીંગપરાથી રંગપુર ગામ જવાના માર્ગ ઉપર આવેલ નદીમાં રમતા રમતા પડી જતા ૧ બાળકનો ચમત્કારીક બચાવ થયો હતો જ્યારે અજુર્ન સોનપરા ઉ.વ.૯ તથા સન્ની સોનપરા ઉ.વ.૮ નુ પાણીમાં ડુબી જવાથી મોત થયુ હતુ. આ બનાવની જાણ જેસીંગપરા વિસ્તારમાં થતા લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા અને ૧૦૮ તથા ફાયર ફાયટરની મદદથી બન્ને બાળકોના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી અત્રેના સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે.
અમરેલી જિલ્લામાં છેલ્લા એક અઠવાડીયાથી અલગ અલગ બનેલી ઘટનાઓમાં કુલ ૧૩ લોકોનાં મોત થયા છે. જેમાં બગસરાના હામાપુરમાં ગાડું તણાય જતા ૪ મોત થયા હતા. બાદમાં બગસરાનાં સુડાવડ ગામે ફરજામાં ઈલેકટ્રીક શોક લાગતા પિતા-પુત્રી-પુત્રનાં મોત થયા હતા જ્યારે ગઈકાલે વિજળી પડતા ૩ મોત તથા એક મહિલાનાં મોતની ઘટના તાજી છે ત્યાં આજે બે બાળકો ડુબી જવાથી મોત નિપજતા ભારે અરેરાટી ફેલાય જવા પામી છે.