રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ગીર પંથકમાં કેરી પકવતા ખેડૂતોને ગત વર્ષે વાયુ વાવાઝોડાએ આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું. ત્યારે આ વર્ષે લોકડાઉન અને વરસાદ વેરી બન્યો છે. કેસર કેરી પકવતા ખેડૂતોને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે. તાલાલાગીર પંથકમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. એક કલાકમાં એક ઇંચ વરસાદ પડ્યો હોવાથી તાલાલા માર્કેટ યાર્ડમાં આજે ૨૫ હજાર કેસર કેરીના બોક્સ પલળતા ખેડૂતો અને વેપારીઓને મોટો ફટકો પડ્યો છે. તેમજ ઉનાળુ પાક તલ, મગ, અડદને પણ ભારે નુકસાન થયું છે.
તાલાલા માર્કેટ યાર્ડમાં આજે ૨૫ હજાર કેસર કેરીના બોક્સની આવક થઇ હતી. કેરીની હરાજી ચાલુ હતી ત્યારે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. આથી બોક્સને પલળતા અટકાવવા મજૂરો તાલપત્રી થી બોક્સને ઢાંકી લીધા હતા. પરંતુ પવનથી તાલપત્રી ઉડી જતા કેરીના બોક્સ પલળી ગયા હતા. ગીર પંથકમાં હજુ ૩૦ ટકાથી વધુ કેરીનો પાક આંબાઓ પર છે. ગત ૧૦ મેથી યાર્ડ શરૂ થયાના ૨૩ દિવસમાં ૪ લાખ ૯૦ હજાર બોક્સનું વેચાણ થઇ ચૂક્યું છે.