પંચમહાલ મિરર ડેસ્ક. /
RBIએ ગુજરાતની 43 કો-ઓપરેટિવ બેન્કને ચાલુ વર્ષે 2 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. RBIએ વિવિધ નિયમોના ભંગ બદલ બેન્કોને આ દંડ ફટકાર્યો છે.
RBIએ રાજ્યની વિવિધ બેન્કોને ફટકાર્યો દંડ
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)એ ગુજરાતની 43 કો-ઓપરેટિવ બેન્કને વિવિધ નિયમોના ભંગ બદલ ચાલુ વર્ષે 2 કરોડ રૂપિયા જેટલો દંડ ફટકાર્યો છે. આરબીઆઇએ ડિપોઝિટ પર વ્યાજ, કંપનીઓને લોન સહિતના નિયમોનું ઉલ્લંઘન કરવા પર બેન્કોને દંડ ફટકાર્યો છે. KYCથી લઇને કેશ રિઝર્વ રેશિયો બાબતે પણ પેનલ્ટી ફટકારવામાં આવી છે.
અમદાવાદમાં સૌથી વધુ આઠ સહકારી બેન્કને 47 લાખની પેનલ્ટી ફટકારવામાં આવી છે જ્યારે વડોદરાની બેન્કોને 28.5 લાખ, મહેસાણાની 5 બેન્કને 24.06 લાખ,રાજકોટની 3 બેન્કને 27 લાખ, બનાસકાંઠાની 3 બેન્કોને 8.5 લાખ, ખેડાની 3 બેન્કને 2.75 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
નુતન નાગરિક સહકારી બેન્કને સૌથી વધુ 26 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેન્કને 15 લાખનો દંડ, એસબીપીપી કો-ઓપરેટિવ બેન્ક વલસાડને 13 લાખ, રાજકોટ નાગરિક સહકારી કો-ઓપરેટિવ બેન્કને 13 લાખ અને સુટેક્ષ કો-ઓપરેટિવ સહકારી બેન્ક સુરતને 10 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. મહત્ત્વપૂર્ણ છે કે ગુજરાતમાં 200થી વધુ કો-ઓપરેટિવ બેન્કોનું ઓડિટ કરવામાં આવ્યું હતું.