પંચમહાલ મિરર ડેસ્ક.
આજકાલ લોકોને વિદેશમાં વસવાનું ઘેલું લાગ્યું છે, ત્યારે દામ, દંડ, ભેદ ગમે તેમ કરીને લોકો ત્યાં પહોંચવા માંગે છે. અમેરિકા-કેનેડા કે અન્ય દેશોમાં ગેરકાયદે ઘુસવાના કિસ્સામાં અનેક વખત ગુજરાતના જ એજન્ટોની ભૂમિકા ખુલી રહી છે. તેવા સમયે રાજયમાંથી બોગસ વિઝા ડોકયુમેન્ટનો પર્દાફાશ થયો છે.
સીઆઇડી ક્રાઈમ દ્વારા રાજ્યના ત્રણ મહાનગરો અમદાવાદ, વડોદરા તથા ગાંધીનગરમાં એક સાથે 20 સ્થળોએ દરોડા પાડીને સંખ્યાબંધ શંકાસ્પદ સાહિત્ય-દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. સીઆઇડી ક્રાઇમની ટીમે વડોદરાની માઈગ્રેશન ઓવરસીઝ નામે વિઝાનું કામ કરતી ઓફિસમાં સર્ચ કરવામાં આવ્યું હતું. વડોદરાનાની માઇગ્રેશન ઓવરસીઝ નામની વિઝાનું કામ કરતી ઓફિસમાં 12 અધિકારીઓ દ્વારા સર્ચ કરાયું હતું. જેમાં મોડી રાત સુધી તપાસની કાર્યવાહી ચાલી હતી. તેમાં ડુપ્લીકેટ ડોકયુમેન્ટસના આધારે સ્ટુડન્ટ વિઝા પર વિદ્યાર્થીઓને વિદેશ મોકલવામાં આવતા હોવાનો ખુલાસો થયો છે.
12 કલાકની તપાસ બાદ ખૂબ મોટી સંખ્યામાં ડોક્યુમેન્ટ જપ્ત કરવામાં આવ્યા છે. અહીં લોકોને સ્ટુડન્ટ વિઝા અને વર્ક પરમીટ પર યુ.કે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ન્યુઝીલેન્ડ લોકોને મોકલતા હતા. દરોડામાં કેટલીક શંકાસ્પદ માર્કશીટ પણ મળી આવી છે. જેમાં ગુજરાત બહાર યુનિવર્સિટીઓની શંકાસ્પદ માર્કશીટો મળી આવી છે.આ સાથે અહીંથી લેપટોપ તથા મોબાઈલ પણ કબ્જે લવાયા છે. મહત્વનું છે કે, ગુજરાતમાં લેભાગુ તત્વો નકલી ડોક્યુમેન્ટ તેમજ વિઝાના આધારે અનેક લોકોને ગેરકાયદે રીતે વિદેશ મોકલી રહ્યા હોવાની ફરિયાદો ઉઠ્યા બાદ સીઆઇડી ક્રાઇમ એક્શનમાં આવ્યું છે અને સીઆઇડી ક્રાઇમે આ કૌભાંડની તપાસ માટે રાજ્યભરમાં સપાટો બોલાવ્યો છે.