વિદ્યાર્થીઓને ઈલેક્ટ્રિક ટુ વ્હીલર ખરીદવા રાજ્ય સરકાર દ્વારા અપાતી 12 હજારની સબસીડી ગુરુવારથી બંધ કરાઈ છે. જેથી બોર્ડની પરીક્ષા સમયે વિદ્યાર્થીઓને મોંઘાં ઈલેક્ટ્રિક ટુ વ્હીલર ખરીદવાં પડશે. બીજી તરફ કોમર્શિયલ ઇ-વ્હીકલ માટે કેન્દ્ર દ્વારા અપાતી સબસીડી ચાલુ છે. કેન્દ્ર સરકાર ઇ-વ્હીકલ માટે પ્રોત્સાહક યોજના કાઢી રહી છે, બીજી તરફ રાજ્ય સરકારે ગ્રાન્ટના બહાને વિદ્યાર્થીઓને મળતી સબસીડી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. સબસીડી ફરી ક્યારે ચાલુ થશે તે અંગે જાહેરાત કરાઈ નથી. વિદ્યાર્થી માટેનાં જ વાહનો પર સબસીડી કેમ બંધ કરાઈ તે અંગે શોરૂમ સંચાલકોને પણ સરકાર દ્વારા માહિતી અપાઈ નથી. ઉલ્લેખનીય છે કે, લો સ્પીડનાં એટલે કે 25ની સ્પીડ પર ચાલતાં ટુ વ્હીલરની કિંમત 70 હજાર હોય છે. શહેરમાં દર મહિને 200 જેટલાં ટુ વ્હીલર વેચાતાં હોય છે. સરકારે ગુરુવારથી સબસીડી બંધ કરવાની જાહેરાત કરી છે.ગ્રાન્ટની રકમ આવતાં સબસીડી ફરી શરૂ થઈ શકે છે. જોકે ફરી વખત સબસીડી ક્યારથી ચાલુ થશે તે જણાવ્યું ન હોવાથી રાજ્યના તમામ શોરૂમ સંચાલકો અસમંજસમાં છે.