જયપુરમાં સુખદેવ સિંહ ગોગામેડીને તેમના ઘરમાં ઘૂસીને હુમલાખોરોએ ગોળી મારી, એક હુમલાખોર માર્યો ગયો.
રાજસ્થાનના જયપુરમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મંગળવારે, ધોળા દિવસે હુમલાખોરોએ ગોગામેડી પર ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા. ગોગામેડીને મેટ્રો માસ હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ગોગામેડી સાથેની ઘટના વખતે હાજર રહેલા અજિતસિંહને ગંભીર ઈજા થઈ છે.
પોલીસના જણાવ્યા અનુસાર, સુખદેવ સિંહ ગોગામેડીનું ઘર જયપુરમાં શ્યામનગર જનપથ પર છે. મંગળવારે બપોરે 1.30 વાગ્યાની આસપાસ બે હુમલાખોર તેમના ઘરે પહોંચ્યા હતા. ગોગામેડી દેખાયા કે તરત જ તેમણે ફાયરિંગ શરૂ કરી દીધું. જણાવવામાં આવી રહ્યું છે કે ગોગામેડીને ચાર ગોળી વાગી હતી.
ફાયરિંગ બાદ હુમલાખોરો ભાગી રહ્યા હતા અને શેરીમાંથી નીકળીને એક કારને રોકીને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે ડ્રાઈવરને પિસ્તોલ બતાવી ત્યારે તે કાર દોડાવીને જતો રહ્યો હતો. આ દરમિયાન તેઓએ પાછળથી આવી રહેલા સ્કૂટી સવાર અમિતને નિશાન બનાવ્યો હતો. સ્કૂટી સવારને ગોળી મારી ઇજા પહોંચાડી અને સ્કૂટી લઇને ફરાર થઇ ગયા હતા. માહિતી મળતાં જ શ્યામનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.