વડોદરા જિલ્લાની વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પહેલાં મીડિયા સમક્ષ કહ્યું, આ વખતે મારી ચૂંટણી લડવાની ઇચ્છા ઓછી છે, હું પત્નીને ચૂંટણી લડાવીશ. જોકે ત્યાર બાદ તેમણે નિવેદન ફેરવી તોળતાં કહ્યું, મારી પત્ની બાજુમાં ઊભી હતી, તેને સારું લાગે એટલે હું તો મજાક કરતો હતો.
પાર્ટી મારી પત્નીને ટિકિટ આપશે,
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે, જેમાં બીજા તબક્કામાં વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં 5મી ડિસેમ્બર 2022ના રોજ મતદાન યોજાવાનું છે. આ પહેલાં વડોદરાની વાઘોડિયા બેઠક પર દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને રિપીટ કરાશે કે નહીં એ અંગે અટકળોએ જોર પકડ્યું છે, ત્યારે આજે મધુ શ્રીવાસ્તવને જ્યારે ચૂંટણી લડવા અંગેનો સવાલ મીડિયા દ્વારા કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું, મારી પત્નીને હું ચૂંટણી લડાવવા ઇચ્છું છું, મારી જરાક ઓછી ઇચ્છા છે. મારી પત્નીને ટિકિટ આપવાના છે. રૂપાલા આવીને ગયા, તેમને મળવા માટે મને બોલાવ્યો પણ નથી અને હું ગયો પણ નથી. હું ભાજપનો સેવક છું અને રહેવાનો છું.
હું તો મજાક કરતો હતો
જોકે ત્યાર બાદ નિવેદન ફેરવી તોળતાં મધુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે દિવાળી અને દેવદિવાળી ગઈ. મારી પત્ની બાજુમાં ઊભી હતી તો મારી પત્નીને સારું લગાડવા માટે એમ બોલ્યો કે મારી વાઇફ ચૂંટણી લડશે, પરંતુ મીડિયા મારફત ખોટી રીતે ચાલી રહ્યું છે. એ વખતે મને ખબર નહોતી કે મીડિયાના કેમેરા ચાલુ છે. આ તો ટીવી પર ચગાવી દીધું છે. આ વખતે ભાજપ સગાં-વહાલાઓને ટિકિટ આપવાના નથી, એટલે પત્નીને ટિકિટ અપાવવાનો વિષય પેદા થતો જ નથી. ચૂંટણી હું જ લડવાનો છું. ભારતીય જનતા પાર્ટી પર મને વિશ્વાસ છે. હું પાર્ટીનો સૈનિક છું અને સૈનિક બનીને લડતો આવ્યો છું અને લડતો રહીશ.