આણંદ-ખેડા જિલ્લામાં છેલ્લા બે દિવસથી ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. બુધવાર રાત્રે અને ગુરૂવાર સવારે ખેડા જિલ્લાના કેટલાંક તાલુકામાં સામાન્ય માવઠું અને આણંદ જિલ્લામાં હળવા છાંટા વરસ્યા હતા. જેના કારણે ચરોતરમાં 1.10 લાખ હેક્ટરમાં ઉનાળું પાક પર જોખમ ઉભું થતાં ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે. ચરોતરમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. બુધવાર બપોર બાદ આણંદ -ખેડા જિલ્લામાં વાદળો ઘેરાયા હતા. સાથોસાથ 8 કિમીની ઝડપે પવન ફુંકાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. રાત્રિના 9 વાગ્યા બાદ હળવા છાંટા વરસ્યાં હતા. ગુરૂવાર સવારે ખેડા જિલ્લાના ઠાસરા, ડાકોર સહિત આસપાસના વિસ્તારમાં પરોઢીયે હળવું માવઠું અને આણંદ જિલ્લામાં સામાન્ય છાંટા વરસ્યાં હતા. આણંદ જિલ્લામાં 53583 હેકટર અને ખેડા જિલ્લામાં 56413 હેકટરમાં ઉનાળુ પાકનું વાવેતર થયું છે. ચરોતરમાં ઉનાળુ બાજરીનું વાવેતર 45 હજાર હેકટર અને શાકભાજીનું વાવેતર 20 હજાર હેકટરમાં થયું છે. ત્યારે માવઠાંથી બાજરી, કેળ અને શાકભાજીના પાકને નુકશાન થવાની ભીંતી વર્તાઇ રહીં છે. તેના કારણે ખેડૂતોના જીવ અદ્ધર થયા છે. રોડ ભીંજવે તેવા સામાન્ય વરસાદથી પાકમાં રોગચાળો થાય તેવી દહેશત ખેડૂતોને સતાવી રહીં છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક સુધી સામાન્ય વરસાદ કે છાંટા પડવાની સંભાવના છે. આણંદ-ખેડા જિલાલામાં બાજરી સહિત વેલાવાળા શાકભાજીનું વાવેતર મોટા પ્રમાણમાં થયું છે. 3 દિવસથી વાદળછાયું વાતાવરણ રહેતા જીવાતોનો ઉપદ્રવ વધી જવાની સંભાવના છે. ત્યારે શાકભાજી અને ફૂલોના પાકમાં જીવાત વધી જાય તો ઉતારો ઘટવાની શક્યતા છે ત્યારે કૃષિ વૈજ્ઞાનિકોએ ખેડૂતોને પાકની અંદર પડેલ જીવાતોને ધ્યાને રાખી 10 લીટર પાણીમાં લીમડો તથા દવાનો છંટકાવ કરવા જણાવ્યું છે.ચરોતરમાં હજુ આગામી 24 કલાક દરમિયાન સામાન્ય કે હળવું માવઠું થવાની વકી છે. ત્યારે પશુ માટેનો સુકો ઘાસચારો કે અન્ય તૈયાર પાકનું અનાજ ખુલ્લામાં નહીં મુકવા તેમજ ખુલ્લામાં પડયું હોય તો તાડપત્રી કે પ્લાસ્ટિક ઢાંકી દેવા તંત્ર દ્વારા જણાવાયું છે. વાદળ છાયા વાતાવરણના કારણે પાકમાં જીવાતો ના પડે તે માટે તકેદારી રાખવા પણ વહીંવટી તંત્ર દ્વારા તાકિદ કરવામાં આવી છે.
Home > Madhya Gujarat > Anand > ચરોતરમાં માવઠું, 1.10 લાખ હેક્ટરમાં ઉભેલાં ઉનાળું પાક પર તોળાતું જોખમ.