રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ
દાહોદમાં કોરોના વાયરસથી સંક્રમિત ૧૪ દર્દીઓની ઘનિષ્ઠ સારવાર અને આરોગ્ય વિભાગ દ્વારા દર્દીઓની તકેદારીથી તમામ દર્દીનો ધીમેધીમે સાજા થવાની શક્યતાઓ ઉજળી બની છે. દાહોદમાં હાલની સ્થિતિએ પાંચ દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. જ્યારે, ૯ દર્દીઓને કોવિડ કેર સેન્ટરમાં રાખવામાં આવ્યા છે.દર્દીઓને પોષણયુક્ત અને રોગ પ્રતિકારક શક્તિ માં વધારો થાય તેવું ભોજન પીરસવામાં આવે છે
ઝાયડ્સ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે કોરોનાના દર્દીઓની સારવાર માટે રહેલી તબીબોની ટીમને લીડ કરી રહેલા ડો. મોહિત દેસાઇએ જણાવ્યું છે કે, કોરોના પેશન્ટ્સને વિશ્વ આરોગ્ય સંસ્થા અને સરકારના આરોગ્ય વિભાગ દ્વારા નક્કી કરવામાં આવેલા પ્રોટોકોલ મુજબની સારવાર આપવામાં આવી રહી છે. જેમાં એઝીથ્રોમાઇસીન, હાઇડ્રોક્સીક્લોરોક્વિન સહિતની દવાના ડોઝ આપવામાં આવે છે.
તેમણે એમ પણ જણાવ્યું કે, દાહોદમાં મળેલા કોરોના વાયરસના મોટા ભાગના દર્દીઓ એસિમ્પ્ટોમેટિક છે. દર્દીઓમાં કોરોના વાયરસના કોઇ પણ લક્ષણ દેખાઇ તે પૂર્વે જ આરોગ્ય વિભાગ દ્વારા તેમના રિપોર્ટ કરી ઓળખ કરી લેવામાં આવી હતી. એટલે આવા દર્દીઓ સારવારમાં આવે તે બાદ થોડા દિવસ પૂર્વે કોરોનાના લક્ષણો દેખાતા હોય છે. એવા સમયે જરૂર પડે ત્યારે ઓક્સિઝન આપવામાં આવે છે. દર્દીઓને તેમના વ્યક્તિગત આરોગ્યની સંભાળ, હાઇઝીન, સામાજિક અંતર તથા સેનિટાઇઝેશનની સમજ આપવામાં આવે છે.
દાહોદમાં દાખલ દર્દીઓને પોષકતત્વોથી ભરપૂર અને રોગ પ્રતિકારક શક્તિ વધે એવો આહાર આપવામાં આવે છે. હોસ્પિટલ દ્વારા આહારનું મેનુ બનાવવામાં આવ્યું છે. જેમાં વાર પ્રમાણે સવારના નાસ્તામાં ઉપમા, પૌવા, મગ અને ચા સહિતનો નાસ્તો આપવામાં આવે છે. જ્યારે, બપોરે જમવામાં દાળ ભાત, રોટલી, લીલા શાકભાજી અને રોટલી પીરસવામાં આવે છે. એ જ પ્રકારે સાંજે ખીચડી, રસાવાળું શાક અને રોટલી ભોજનમાં આપવામાં આવે છે. બપોર બાદ પણ નાસ્તો આપવામાં આવે છે. જેમાં ચા, બિસ્કીટ, દૂધ અને લિંબુ પાણી આપવામાં આવે છે.
દર્દીઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલા કપડાને સોડિયમ હાઇપોક્લોરાઇટવાળા પાણીમાં અડધી કલાક રાખી બાદમાં ધોવામાં આવે છે. આટલું જ નહીં આઇસોલેશન વોર્ડની દિવાલો, ફ્લોરને દર ત્રણચાર કલાકે ડિસઇન્સફેક્ટ કરવામાં આવે છે. આ ઉપરાંત, તબીબો દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલા સાધનોને પણ નિયત પ્રણાલી દ્વારા જીવાણુમુક્ત કરવામાં આવે છે.