ગુજરાતમાં વીજળીની દૈનિક ડિમાન્ડ ૨૦,૪૫૭ મેગાવોટને આંબી ગઈ છે ત્યારે બીજીતરફ વીજળીની અછત વધીને ૧૮ ટકાને આંબી ગઈ છે. વીજળીની ૨૦,૪૫૭ મેગાવોટની ડિમાન્ડ સામે ગુજરાતને અત્યારે ૩૬૫૮ મેગાવોટની અછત પડી રહી છે. આ અછત અંદાજે ૧૮ ટકા જેટલી છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ ૧૬૭૯૯ મેગાવોટ વીજળીની ડિમાન્ડને જ સંતોષી શકે તેવી સ્થિતિમાં છે. ગુજરાતમાં વીજપુરવઠામાં સુધારો ન આવે અને ઉત્પાદન ન વધારવામાં આવે તો પાવર કટ વધીને ૨૫ ટકા સુધી થઈ જવાની સંભાવના છે, એમ પાવર સેક્ટરના નિષ્ણાત કે.કે. બજાજનું કહેવું છે. આ સ્થિતિમાંથી બચવા ગુજરાત સરકારના વીજ પ્લાન્ટ્સે ઓછામાં ઓછી ૬૫ ટકા ક્ષમતાએ વીજ ઉત્પાદન કરવું પડશે. તેના પોતાના ઉત્પાદનને ૨૮૦૦ મેગાવોટથી વધારીને ઓછામાં ઓછા ૪૫૦૦ મેગાવોટ સુધી લઈ જવું પડશે. તેમ કરવામાં નિષ્ફળ જશે તો લોકોના વીજબિલમાં ભયંકર વધારો આવશે અથવા તો વીજકાપમાં વધારો કરવાની ફરજ પડશે. આ સ્થિતિ પરથી લાગે છે કે ગુજરાત ધીમી ગતિએ વીજ સંકટ તરફ ઢસડાઈ રહ્યું હોવાનું જણાય છે. ગુજરાત સરકારના વીજ પ્લાન્ટ્સની કુલ વીજ ઉત્પાદન ક્ષમતા ૬૬૭૦ મેગાવોટની છે. તેની સામે વીજળીની ડિમાન્ડ ૨૦,૪૫૭ મેગાવોટની છે. કુલ ડિમાન્ડમાંથી માંડ ૨૮૬૧ મેગાવોટ વીજળીનું જ તે ઉત્પાદન કરે છે. જે કુલ ડિમાન્ડના ૧૫ ટકાથી પણ ઓછી છે. તેમ જ ગુજરાત સરકારના વીજ પ્લાન્ટની કુલ ઉત્પાદન ક્ષમતાના માંડ ૪૨.૯ ટકા જેટલું જ છે. ગયા અઠવાડિયે ગુજરાત સરકારની વીજ કંપનીઓનું ઉત્પાદન કુલ ક્ષમતાના ૪૯ ટકા હતું. આજે તેમાં વધુ ૬.૧ ટકાનો ઘટાડો આવી ગયો છે. વર્તમાન સ્થિતિ પરથી નિર્દેશ મળે છે કે ગુજરાત સરકારની વીજ કંપનીઓ તેનું ઉત્પાદન નહિ વધારી શકે તો મોંઘાભાવની એટલે કે યુનિટદીઠ રૃ. ૧૧.૨૫ની આસપાસના ભાવની વીજળી પર વધુ મદાર બાંધવો પડશે. તેનો બોજ ગુજરાતના વીજ વપરાશકારોને માથે વધશે. ઊંચા ભાવે ગુજરાત સરકારની વીજ કંપનીઓ વીજળી ખરીદી નહિ શકે તો વીજ કાપ વધારવાની ફરજ પડશે. ગુજરાત સરકારની વીજ કંપનીઓની કુલ ઉત્પાદન ક્ષમતાની તુલનાએ માત્ર ૪૩ ટકા જ વીજ ઉત્પાદન કરવામાં આવી રહ્યું હોવાથી વીજળીની અછત વર્તાઈ રહી છે. બીજીતરફ ભર ઊનાળે સોલાર પાવરનું જનરેશન અપેક્ષા કરતાં ઓછું થઈ રહ્યું છે. તેમ જ વિન્ડ પાવરનું જનરેશન પણ અપેક્ષા કરતાં ઊણું ઉતરી રહ્યું છે. ગુજરાતના ઉદ્યોગો, કોમર્શિયલ એકમો અને રહેઠાણોની વીજળીની ડિમાન્ડ ખાસ્સી વધી ગઈ છે. તેથી વીજળીની ડિમાન્ડ ૨૦૦૦૦ મેગાવોટને વળોટી ગઈ છે. તેની સાથે જ કૃષિ ક્ષેત્રની વીજળીની ડિમાન્ડ પણ વધી રહી છે. બીજીતરફ ઇન્ડિયન એનર્જી એક્સચેન્જમાંથી યુનિટદીઠ વીજળી રૃ. ૧૧.૨૫ જેટલા ઊંચા ભાવે મળતી હોવાથી વીજ બિલ વધી જવાના ભયથી ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ ખાનગી કંપનીઓ પાસેથી વીજળીની ખરીદી કરતાં ખચકાટ અનુભવી રહ્યું છે. ઇન્ડિયન એનર્જી એક્સચેન્જમાં વીજળીના યુનિટદીઠ મહત્તમ ભાવ રૃ. ૨૦ સુધી રાખવાની આપેલી છૂટ પર લગામ તાણીને કેન્દ્ર સરકારે મહત્તમ ભાવ રૃા.૧૨ કરી દીધો હોવાથી યુનિટદીઠ વીજળીના ભાવ રૃ. ૧૧.૨૫ની આસપાસનો બોલાઈ રહ્યા છે. અન્યથા વર્તમાન સંજોગોને જોતાં ભાવ રૃ. ૧૮થી ૧૯.૫૦ની રેન્જમાં આવી જવાની સંભાવના હતી. એનર્જી એક્સચેન્જમાં વીજળીના યુનિટદીઠ ભાવ જેટલા ઊંચા જાય તેટલો એફપીપીપીએ-ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટની ફોર્મ્યુલા હેઠળ ગ્રાહકને માથે વીજદરનો વધારાનો બોજ આવે છે.