હાલ લીંબુ, તેલ અને પેટ્રોલ-ડીઝલ સૌથી મોંઘું બન્યું છે. વધતા જતા ભાવને કારણે લોકોના બજેટ પણ વિખેરાયા છે. ત્યારે રાજકોટમાં આયોજિત એક લગ્નપ્રસંગમાં વરવધૂને તેના મિત્રોએ લીંબુનો હાર, તેલનો ડબ્બો ગિફ્ટમાં આપ્યો હતો. અને જણાવ્યું હતું કે આ સૌથી મોંઘી ગિફ્ટ છે. આ અંગે વધુ માહિતી આપતા રાકેશભાઈ હિરાણીએ જણાવ્યું હતું કે, તેના મિત્ર જિતેન વારાના લગ્ન રવિવારે થયા હતા. હાલ જે રીતે ચીજવસ્તુના ભાવ વધી રહ્યા છે ત્યારે આ સૌથી મોંઘી ગિફ્ટ કહી શકાય. આ ગિફટ જોઈને વરરાજા જીતેન વારા અને કન્યા રક્ષા લાડવાઅે જણાવ્યું હતું કે, આ સૌથી મોટી અને યાદગાર ગિફ્ટ છે. રાકેશભાઈ અને તેના મિત્રોએ આ લીંબુનો હાર પોતે જ બનાવ્યો હતો અને વરમાળા પહેરાવતી વખતે ફૂલના હારની સાથે સાથે લીંબુનો હાર આપ્યો હતો. જ્યારે સોનાની વીંટી પણ લીંબુ પર જ રાખવામાં આવી હતી. મહેમાનો પણ આ ગિફ્ટ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પેટ્રોલના ભાવ વધારે છે. ત્યારે પેટ્રોલના બદલે હળદરવાળુ મિશ્રિત પાણી પ્રતિકાત્મક રૂપે આપ્યું હતું.