લાખો ગૃહિણીઓ,લોકોના રોષ અને કટાક્ષનો વિષય બનેલા લીંબુના ઉત્પાદનમાં પણ ગુજરાત દેશમાં અગ્રેસર છે. પ્રાપ્ત માહિતી અનુસાર દેશમાં ગત બે વર્ષથી 31 લાખ ટનથી વધુ લીંબુનો પાક થયો છે તેમાં આંધ્રપ્રદેશ પછી ગુજરાત નં. 2ઉપર છે. રાજ્યમાં સતત બે વર્ષથી 6.25 લાખ ટન લીંબુનો પાક થયો છે અને સ્થાનિક માંગ તો રાબેતામૂજબ છે છતાં લીંબુના ભાવ ગત વર્ષ કરતા બમણો થયો છે, પૂરા 100 ટકાનો વધારો નોંધાયો છે. બાગાયત વિભાગની વિગત અનુસાર ગુજરાતમાં એક દસકાંમાં બાગાયતી પાક વાવેતરનો વિસ્તાર 6.91 લાખ હેક્ટરથી વધીને 15.03 લાખ ટન થયો છે જેમાં 200 લાખ ટનથી વધુ વિવિધ પાક થાય છે. આ પૈકી લીંબુનું વાવેતર 46,000 હેક્ટરથી વધુમાં થાય છે. ગુજરાતમાં ઈ.સ. 2017-18માં 6.05 લાખ ટન લીંબુનો પાક થયો હતો જે ગત બે વર્ષ વધીને 6.25 લાખ ટન થયો છે. ભાવ વધુ મળતા હોય આ વાવેતર વધતું જાય છે. દેશમાં વર્ષ 2021-22માં 31.14લાખ ટનમાં પ્રથમ નંબરે આંધ્રપ્રદેશમાં લીંબુ ઉત્પાદનનો ફાળો 19.37 ટકા અને બીજા નંબરે ગુજરાતમાં દેશનું 17.80 ટકા લીંબુ ઉત્પાદન થયું હતું. ઈ.સ. 2019-20ના વર્ષમાં દેશના 33.17 ટનના ઉત્પાદનમાં ગત બે વર્ષમાં નજીવો ઘટાડો છે છતાં દેશભરમાં લીંબુના ભાવે લ્હાય લગાડી છે. માર્કેટ યાર્ડોમાં લીંબુની કોઈ અછત નથી સર્જાઈ, ગત વર્ષે આજના દિવસે રાજકોટ યાર્ડમાં સરેરાશ 140 ક્વિન્ટલ લીંબુ આવતા તે આવક આજે પણ જારી છે, આજે 149 ક્વિન્ટલ લીંબુની આવક થઈ છે અને સરેરાશ જળવાઈ છે. છતાં ગત વર્ષે મણના રૂ।.2200 સુધી પહોંચેલા ભાવ આ વખતે 4500એ પહોંચ્યા છે, આજે પણ રૂ।. 3700- 4200 ના ભાવે સોદા થયા હતા. લીંબુ બાગાયતી પાક છે, માત્ર એક હેક્ટર જમીનમાં 11થી મહત્તમ 16 ટન સુધી લીંબુ પાકે છે, આંગણામાં એક વૃક્ષ પર પણ 50થી 70 કિલો સુધી પાક મળે છે. સામાન્ય સરેરાશ પ્રમાણ મૂજબ લીંબુનો પાક ચોમાસામાં 60 ટકા, શિયાળામાં 20 ટકા અને ઉનાળામાં (ફેબુ્રઆરીથી મે) માત્ર 10 ટકા ઉતરતો હોય છે તેમ બાગાયતી વિભાગનું ધોરણ છે. યાર્ડના સૂત્રો કહે છે, આ કારણે ઉનાળામાં લીંબુ મોંઘા હોય તે સ્વાભાવિક હોય પરંતુ, આટલી હદે મોંઘા થાય તેવું ઈતિહાસમાં કદિ જોયું નથી. ગત વર્ષની જ વાત કરો તો ચોમાસામાં વીસ-ત્રીસના કિલો લીંબુ ઉનાળામાં રૂ।. 150 સુધી પહોંચી જતા હોય છે પરંતુ, કિલોના રૂ।. 400 ભાવ અધધધધ છે. સૌરાષ્ટ્રમાં હવે મગફળી સહિતની જણસી કરતા લીંબુની ખેતી વધુ ફાયદાકારક બનતી જાય છે તે કારણે વાવેતર વધવા સંભવ છે. જો કે આજે વૃક્ષ વાવવામાં આવે તો ફળ આવતા પાંચ વર્ષનો સમય લાગે છે. પછી દર વર્ષે અને બારેમાસ વધતા ઓછા લીંબુ પાકતા રહે છે. એકંદરે જેમ મગફળીનો 39 લાખ ટનનો બમ્પર પાક ગત વર્ષે થયો છતાં સીંગતેલ રૂ।. 2700ને પાર થઈ ગયું અને મોંઘુદાટ મળ્યું તેમ લીંબુનો પણ નજીવી વધઘટ સાથે પર્યાપ્ત પાક, પર્યાપ્ત આવક છતાં લોકોને સસ્તા લીંબુ મળ્યા નથી.